અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં મહિલા વ્યાજખોરની ધમકી અને ત્રાસથી કંટાળીને મહિલાએ ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ મકાન લખી આપીને વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ દીકરીના લગ્નમાં ખુબ ખર્ચ થતાં મહિલા રૂપિયા ચૂકવી શકી ન હતી. ઘટના અંગે મહિલાએ વ્યાજખોર મહિલા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઠક્કરનગરમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે, 15 વર્ષ અગાઉ ફરિયાદી મહિલાને તેમના પતિ છોડી જતા રહ્યા હતા.
જેથી ઘર ખર્ચ માટે પૈસા ઓછા પડે ત્યારે કોઇની પાસેથી હાથ ઉછીના રૂપિયા લઇ તેઓ ઘર ચલાવતા હતા. થોડા વર્ષો અગાઉ તેમના નજીકમાં રહેતા જ્યોત્સનાબહેન સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ અવારનવાર તેમની પાસેથી રૂપિયા લેતા હતા અને પરત પણ આપી દેતા હતા. માર્ચ મહિનામાં પુત્રીના લગ્ન માટે વ્યાજે પૈસા માંગ્યા હતા ત્યારે પૈસા આપવાની હા પાડી પરંતુ મકાન લખી આપવા જણાવ્યું હતું. ઉપરાંત જ્યારે રૂપિયા પુરા થઇ જશે ત્યારે મકાન પરત આપી દેશે તેમ પણ કહ્યું હતું. જેથી ફરિયાદીએ પહેલા 2.50 લાખ અને પછી 1 લાખ એમ કુલ રૂપિયા 3.50 લાખ અઢી ટકા વ્યાજે લીધા હતા.
જેનુ દર મહિને વ્યાજ તેઓ ચૂકવી આપતા હતા. થોડા મહિના સુધી વ્યાજ ચૂકવ્યા પછી દિકરીના લગ્નમાં ખર્ચ વધારે થતાં તેમની પાસે પૈસા હતા નહીં. જેથી તેમણે વ્યાજ આપવાનું બંધ કરી દીધુ હતું. પરંતુ તેઓ અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા ઘરે પહોંચી જતા હતા અને 12 ટકા લેખે વ્યાજ માંગી ધમકી આપતા હતા. જેથી ડરના કારણે તાજેતરમાં ફરિયાદી મહિલાએ ઘરમાં પડેલ ઉંઘની ડાયબીટીશની અને દુખાવાની મળી કુલ ૨૬ ગોળી ખાઇ લીધી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધુ વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500