મહારાષ્ટ્રનાં પૂણેના નારાયણગાંવ વિસ્તારમાં શુક્રવારે લગભગ સવારે 10 વાગ્યે પુણે-નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મિની વાન(કાર)ને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ મિની વાન ત્યાં ઊભેલી એક બસ સાથે અથડાઈ ગઈ. ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. જણાવી દઈએ કે, દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા.
મૃતકોમાં ચાર મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળક સામેલ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે 'X' પર પોસ્ટમાં કહ્યું કે, 'પુણે-નાસિક હાઈવે પર નારાયણગાંવ નજીક એક દુર્ઘટનામાં 9 લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સામેલ છીએ.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500