ગાંધીનગર જિલ્લામાં ધરતીપુત્રો કુદરત પર વિશ્વાસ મુકીને ખરીફ પાકનું વાવેતર કરવા લાગ્યાં છે. ખરીફ મોસમમાં વાવેતરની સરેરાશ ૧.૨૭ લાખ હેક્ટરથી વધુની છે. તેની સામે ૯,૪૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તેમાં મોસમ જોઇને ખેડૂતોએ ૫૪૦૦ હેક્ટરમાં કપાસ વાવી દીધો છે. સૌથી વધુ દહેગામ તાલુકામાં, બીજા ક્રમે કલોલ, ત્રીજા ક્રમે માણસા અને ગાંધીનગર તાલુકામાં સૌથી ઓછું વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવવા પ્રમાણે, હાલની સ્થિતિએ માત્ર કપાસ, મગફળી, શાકભાજી, ઘાસચારા અને ડાંગર ધરૂનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.
તેમાં સૌથી વધુ કપાસનું વાવેતર ૫,૪૦૦ હેક્ટરમાં, ઘાસચારાનું વાવેતર ૨,૨૦૦ હેક્ટરમાં, શાકભાજીનું વાવેતર ૧૫૦૦ હેક્ટરમાં, મગફળીનું વાવેતર ૨૧૭ હેક્ટરમાં અને ડાંગર ધરૂનું વાવેતર ૫૯ હેક્ટર વિસ્તારમાં થયાના અહેવાલ મળ્યાં છે. અત્યાર સુધીમાં દહેગામ તાલુકામાં કુલ વાવેતર ૪૮૧૪ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૧૬૧૯ હેક્ટરમાં, કલોલ તાલુકામાં ૧૫૦૦ હેક્ટરમાં અને માણસા તાલુકામાં ૧૪૩૦ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉપરોક્ત પાકો માટે વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ચોમાસુ રંગ જામવાની સાથે મોટો વધારો થશે.
વાવેતરના સંબંધમાં અધિકારી સુત્રોએ જણાવ્યું કે, દહેગામ તાલુકામાં કપાસનું વાવેતર ૨૫૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર ૧૧૦૦ હેક્ટરમાં, શાકભાજીનું વાવેતર ૧૨૦૦ હેક્ટરમાં અને મગફળીનું ૭૪ હેક્ટરમાં વાવેતર કરાયું છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં કપાસનું ૮૩૮ હેક્ટરમાં, મગફળીનું ૧૪૩ હેક્ટરમાં, શાકભાજીનું ૧૧૨ હેક્ટરમાં અને ઘાસચારો ૫૨૬ હેક્ટરમાં વાવવામાં આવ્યો છે. કલોલ તાલુકામાં ૭૩૬ હેક્ટરમાં કપાસ, ૬૦૧ હેક્ટરમાં ઘાસચારો, ૯૭ હેક્ટરમાં શાકભાજી અને ૫૯ હેક્ટરમાં ડાંગર ધરૃનું વાવેતર થયું છે. જ્યારે મગફળીનું વાવેતર કરાયું નથી. માણસા તાલુકામાં કપાસ ૧૨૩૬ હેક્ટરમાં શાકભાજી ૪૨૧૦૪ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી ઘાસચારો અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500