Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ તાલુકાનાં ગામોમાં બોરવેલ કરી આપવાની લાલચ આપી ખેડુતો સાથે છેતરપિંડી થઈ

  • November 14, 2024 

ઉચ્છલ તાલુકાનાં જુદા-જુદા ગામોમાં બોરવેલ કરી આપવાની જાણકારી આપી ખેડૂતોને વિશ્વાસમાં લઈ રૂપિયા ૧૪,૨૦૦/- મુજબ નાણાંનું ઉઘરાણું કર્યા બાદ પલાયન થયેલા બે ઇસમ સામે ખેડૂતોએ રૂપિયા ૨.૮૪ લાખ જેટલી જંગી રકમ ખંખેરી લીધાના આક્ષેપ સાથે પોલીસ મથકે રજૂઆત કરી છે. બનાવની વિગત એવી છે કે, ઉચ્છલ તાલુકાનાં વડદેખુર્દ, છાપટી, હરિપુરા, લિંબાસોટી, વડપાતલ, કમલાપુર, ઉચ્છલ તથા સોનગઢનાં લિંબાડી વગેરે ગામોનાં ખેડૂતોએ રૂપિયા ઉસેટી છેતરપિંડી કરનાર અપ્રોધા એગ્રો ઈન્ડસ્ટ્રીઝનાં સુનિલ ગામીત (રહે.મેઢસીંગી, સોનગઢ) અને કલ્પેશ ગામીત (રહે.મીરકોટ, ઉચ્છલ) સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ખેડૂતોને ખેતી માટે પાણીનાં બોરની જરૂરિયાત હોવાથી વર્ષ ૨૦૨૦નાં વર્ષમાં અપ્રોધા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નામની સંસ્થા કે એજન્સીના વ્યક્તિઓ ઉચ્છલ તાલુકાનાં ગામડાઓમાં ગયા હતા.


એજન્સીના માણસો દ્વારા ખેડૂતોને સમજાવ્યા હતા કે, એપ્રોધા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખેડૂતોને ૨૫૦ ફૂટ ઊંડા પાણીના બોર કરી આપવામાં આવશે અને તે માટે દરેક ખેડૂતે રૂપિયા ૧૪,૨૦૦/- આપવા પડશે. સિંચાઈની સુવિધા મળવાની આશાએ ૨૦૨૦માં ઉચ્છલ તાલુકાના અંદાજિત ૨૦થી વધુ ખેડૂતોએ એજન્સીને રૂપિયા ૧૪,૨૦૦ પેટે રૂપિયા ૨,૮૪,૦૦૦/- જેટલી રકમ આપી હતી. છતાં પાણીનો બોર આજદિન સુધી ખેડૂતોને મળ્યો નથી, એજન્સીએ ખેડૂતોને નાણાં પરત કર્યા નથી. અપ્રોધા એગ્રો ઈન્ડસ્ટ્રીઝના મુખ્ય સુત્રધાર સુનિલ ગામીત પાસે ખેડૂતોએ નાણાં પરત માંગતા તેઓ માત્ર વાયદાઓ કરતા હતા. બે ખેડૂતોને રૂપિયા ૧૪,૨૦૦/-નાં બે ચેક આપવામાં આવ્યા જે બેંક ખાતામાં જમાં કરાવતા રિટર્ન થયા હતા. ખેડૂતો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી લાખો રૂપિયાનું ખંખેરી લેનાર બંને સખ્સો સામે પગલાં લેવાની માંગણી ભોગ બનેલો ખેડૂતોએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application