ગાંધીનગરનાં દહેગામ તાલુકામાં હાથીજણ ગામમાં રહેતો પરિવાર દર્શન માટે દ્વારકા અને બંધ મકાનના લોક તોડી તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જયારે દર્શન કરી પરત ઘરે આવતા પરિવારને ઘરમાં ચોરી થયાનું માલૂમ પડતાં તપાસ કરતાં 15.29 લાખની ચોરી થઈ હોવાનું સામે આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ચોરી અંગે અજાણ્યા ઇસમો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દહેગામનાં હાથીજણ ગામે રહેતા પારૂલબેન રાજેશભાઈ પટેલ ઘર લોક કરીને દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયા હતા.
ત્યારબાદ પરત ઘરે આવતા ઘરનો મુખ્ય દરવાજો ખુલેલી હાલતમાં જોવા મળ્યો હતો તેથી ઘરમાં પ્રવેશી તપાસ કરતાં રૂમમાં મુકેલી બંને તીજોરીઓના લોક તોડી તીજોરીમાંથી સોનાનું મંગળસુત્ર નંગ એક, સોનાની વીટી બે, સોનાનું ડોક્યુ એક, સોનાની લકી એક, રોઝ ગોલ્ડ બુટી બે, ચાંદિના સાંકડા (પગના) બે, સોના વરખવાળી ચાંદિની બગડી બે, રોકડ રકમ 12 લાખ સહિત 15,29,214/- ચોરી થયાનું સામે આવતા પરિવાર ચોંકી ગયો હતો. ચોરી અંગે પારૂલબેને અજાણ્યા ઇસમો સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500