અમદાવાદમાં નકલી જજ અને કોર્ટ ઊભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યકિતઓને પધરાવી દેવાનો કૌભાંડ સામે આવ્યો હતો. જેમાં નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્ચિયનની કારંજ પોલીસે વધુ એક ગુનામાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અને ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી મોરિસ ક્રિશ્ચિયનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. બીજીબાજુ, નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન મર્સીડીઝ કારનો ઉપયોગ કરતો હતો, તે છુપાવી રાખી તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. એએમસીની કરોડો રૂપિયાની જમીનના કિસ્સામાં બોગસ હુકમો કરવાના પ્રકરણમાં કોર્ટના નિર્દેશાનુસાર, કારંજ પોલીસે ગુનો દાખલ કરી આરોપી નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપી નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
જેમાં સરકાર પક્ષ તરફથી અધિક સરકારી વકીલ એચ.એસ.પંચાલે અદાલત સમક્ષ રિમાન્ડના કારણો જણાવતાં કહ્યું કે, આરોપી છેલ્લા ઘણાં સમયથી ખોટી રીતે આર્બીટ્રેશન જજ તરીકે કામ કરી રહ્યો હતો તો તેણે અત્યાર સુધીમાં આ પ્રકારે કેટલા બોગસ અને બનાવટી ઓર્ડર કર્યા છે? આરોપીએ કઈ-કઈ જગ્યાએ પોતાની ઓફિસો ખોલી હતી? આરોપીએ અલગ-અલગ કોર્ટમાંથી જુદા જુદા પ્રકારના આદેશ મેળવ્યા છે તે કયા છે? આરોપીએ બનાવટી હુકમો કરીને મેળવેલા નાણાંમાંથી કયાં અને કેટલી મિલકતો વસાવી છે તેની તપાસ કરવાની છે. વધુમાં, આરોપી નકલી જજ બનીને કચેરીએ જવા માટે જે મર્સીડીઝ કારનો ઉપયોગ કરતો હતો, તે બોપલમાં કયાંક છુપાવાઈ હોવાનું જાણવા મળ્યું છે, તેથી તેને લઈને આરોપીની પૂછપરછ કરવાની છે.
આરોપીની સાથે આ સમગ્ર કૌભાંડ-ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે? આરોપીએ નકલી જજ બની, બનાવટી હુકમો તૈયાર કરી કોની-કોની પાસેથી અત્યાર સુધીમાં કેટલો આર્થિક ફાયદો મેળવ્યો છે, તે પણ જાણવાનું છે. આ સંજોગોમાં આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાથી કોર્ટે પૂરતા દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. પોલીસની રિમાન્ડ અરજી ઘ્યાને લઈ કોર્ટે આરોપી નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. નકલી આર્બીટ્રેટર જજ મોરિસ ક્રિશ્ચિયને નકલી હુકમો અને બનાવટી દસ્તાવેજો તેમ જ કામગીરી માટે જે લેપટોપનો ઉપયોગ કર્યો હતો.
તે લેપટોપ ગાયબ કરનાર આરોપી દિલીપસિંહ રાઠોડની જામીન અરજી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેરે ફગાવી દીધી હતી. આરોપી દિલીપસિંહ રાઠોડની જામીન અરજીનો વિરોધ કરતાં તપાસનીશ અધિકારીએ જણાવ્યું કે, મોરિસ ક્રિશ્ચિયન અગાઉ રિમાન્ડ પર હતો તે દરમિયાન આરોપી દિલીપ રાઠોડે તેમના ઘરેથી ગુનામાં વપરાયેલા બે લેપટોપ ગુમ કરી દીધા હતા. આરોપીના કહેવા પ્રમાણે તેણે, બોપલ પાસે અવાવરુ જગ્યાએ રસ્તામાં ફેંકી દીધા હતાં, પરંતુ પોલીસે ત્યાં તપાસ કરી, છતાં લેપટોપ મળ્યા નહતા. આમ, આરોપીએ પુરાવાનો નાશ કરવાનો ગુનો કર્યો છે. આ સંજોગોમાં જો આરોપીને જામીન અપાય તો કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની પૂરી સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500