વલસાડના કપરાડા આરોગ્ય વિભાગ અને નાનાપોંઢા પોલીસની સંયુક્ત ટીમોએ હૈદલબારી ગામે હાથ ધરેલી તપાસ દરમિયાન એક ક્લિનિકમાંથી કોઈ પણ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો મૂળ પશ્ચિમ બંગાળનો બોગસ તબીબ આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. પોલીસે દવા ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી રૂ.૪૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કપરાડા તાલુકા આરોગ્ય વિભાગના તાબા હેઠળની દહીંખેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.નિલેશકુમાર ધરમશી પટેલને હૈદલબારીના સીમાડા ફળિયામાં એક ઇસમ બોગસ ક્લિનિક ચલાવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે બાદ તેમણે નાનાપોંઢા પોલીસની મદદ માંગી હતી.
દહીંખેડ પીએચસીના મેડિકલ ઓફિસર અને નાનાપોંઢા પોલીસની ટીમે હૈદલબારીના સીમાડા ફળિયામાં છાપો માર્યો હતો. મેડિકલ ઓફિસર અને નાનાપોઢ પોલીસની ટીમે તે સમયે ક્લિનિકમાં હાજર રતન રામચંદ્ર મંડલ (હાલ રહે.સીમાડા ફળિયા, હૈદલબારી, મૂળ રહે.રામચંદ્રપુર, તા.ચાંદપાડા, પશ્ચિમબંગાળ) પાસેથી મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રો સહિતના પ્રમાણપત્રોની માંગણી કરી હતી. જે પ્રમાણપત્રો તેની પાસે મળ્યા નહિ હોવાની રતન મંડલે કબૂલાત કરી હતી. આરોગ્ય વિભાગ અને નાનાપોંઢા પોલીસની ટીમે ક્લિનિકમાંથી દવા, સિરીજ તથા અન્ય ચીજવસ્તુ મળી ૪૨ હજારથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. આ બાબતે દહીંખેડ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. નિલેશકુમાર પટેલે નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500