લગ્નનું વચન આપી તેનું પાલન ન કરવું તે ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા પુરી પાડવા સમાન ન ગણાય તેમ કેરળની હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું હતું. જસ્ટિસ સીએસ સુધાની બનેલી સીંગલ જજની બેન્ચે આરોપીની ડિસ્ચાર્જ અરજીને સ્વીકારતાં આ ચૂકાદો આપ્યો હતો. અરજદાર બીજુ કુમાર સાથે પોતાના સંબંધો કથળી જતાં અંજુ નામની મહિલાએ આત્મ હત્યા કરી હતી. અંજુની બહેને આ કેસ દાખલ કરી આરોપીએ આત્મહત્યા માટે તેની બહેનને દુષ્પ્રેરણા પુરી પાડી હોવાનો આરોપ મુક્યો હતો. અંજુના પરિવાર પાસે બીજુ કુમારે 101 સોનાના સિક્કા દહેજ તરીકે માંગ્યા હતા. આ માંગ પુરી ન કરી શકતાં અંજુના પરિવાર અને બીજુ કુમારના સંબંધો કથળ્યા હતા.
આરોપી બીજુ કુમારે આ પછી અંજુ સાથે અંતર જાળવવા માંડયું હતું. તેમાં પણ બીજુ કુમારના લગ્ન અન્ય કોઇ મહિલા સાથે લેવાનું નક્કી થતાં અંજુ પરેશાન થઇ ગઇ હતી. એ પછી તેણે ત્રણ ઓક્ટોબર ૨૦૧૩માં આત્મહત્યા કરી લીધી હતી. તેના મોત બાદ અંજુના પરિવારે બીજુ કુમાર પર તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મુક્યો હતો. આ કેસમાં આરોપી સામે અકુદરતી મોત બદલ આઇપીસીની કલમ 174 હેઠળ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. જોકે બાદમાં બીજુ કુમાર સામે આઇપીસીની કલમ 306 પણ લગાવવામાં આવી હતી. મૃતક અંજુની ડાયરીના આધારે તેને આત્મહત્યા કરવા માટે મજબૂર બનાવવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે આઇપીસીની કલમ 107 હેઠળ દુષ્પ્રેરણા પુરી પાડવાની વ્યાખ્યાનું અર્થઘટન કરતાં જણાવ્યું હતું કે તેમાં મૃતકને તેનો જીવ લેવાની ફરજ પાડવા ઇરાદાપૂર્વક સહાય પાડવામાં આવી હોય તે સ્થાપિત થવું જોઇએ. માત્ર આવેશમાં આવી પરિણામની પરવા કર્યા વિના કશુંક બોલવામાં આવે તો તેને દુષ્પ્રેરણા ન ગણી શકાય. હાઇકોર્ટે ૨૦૦૯ના ચિત્રેશકુમાર ચોપડા વિરૂદ્ધ દિલ્હી સરકારના કેસમાં તથા ૨૦૦૧માં રમેશ કુમાર વિરૂદ્ધ છત્તીસગઢ સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલાં ચૂકાદાને પણ ટાંક્યા હતા. 2001ના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્થાપિત કર્યું હતું કે આરોપીએ એવા સંજોગો સર્જયા હોવા જોઇએ કે મૃતક પાસે મરવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન રહે. પણ કેરળ હાઇકોર્ટને મૃતકને મોત કરવા ભણી ધકેલે તેવા સંજોગો આરોપીએ ઉભાં કર્યા હોવાનું જણાયું નહોતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025