કડક સ્વભાવ અને કામગીરીમાં ચોક્કસ વલણ ધરાવતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ તાપી જિલ્લામાં તમામ કર્મચારીઓ પોતાના કામમા નિયમીત બને તે અર્થે ઉચ્ચ અધિકારીઓ મારફત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આકસ્મિક મુલાકાત લેવાનો આગ્રહ રાખ્યો છે.
જેમાં અધિકારીઓ જે-તે કચેરી કામગીરીની તપાસ તથા કર્મચારીઓના જાહેર જનતા તરફના વલણને ખાસ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. કામગીરીમાં બેદરકાર કર્મચારીઓને ક્યારેક નોટીસ આપી તો ક્યારેક નોકરીમાંથી બરતરફ કરવા સુધીના કડક પગલા ડી.ડી.ઓ કાપડિયાએ ભુતકાળમાં લીધા છે.
તાજેતરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા દ્વારા તાલુકા પંચાયત કચેરી ડોલવણ કચેરીની આકસ્મિક મુલાકાત લેતા હાજરી ચકાસણી કરતાં કુલ-૮ કર્મચારીઓ રજા રીપોર્ટ કે કચેરીના વડાને જાણ કર્યા વિના ફરજ પર ગેરહાજર હોવા અંગે માહિતી મેળવી હતી. આ અંગેના રીપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને આપતા તેઓએ તમામ કર્મચારીઓનો દિન-૧ નો પગાર કાપવા હુકમ કરેલ છે.
તેમણે જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં કર્મચારીઓની નિયમિત હાજરી માટે બાયો મેટ્રીક અટેન્ડન્સ સિસ્ટમ ડીવાઇઝ મૂકવામાં આવ્યા હોવા છતા કામગીરીમાં બેદરકાર કર્મચારીઓ અનિયમીત રહેતા હવે ટુંક સમયમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત વ્યારા ખાતે કર્મચારીઓની હાજરીની નિયમીતતા માટે ફેસ રેકગનાઇઝેશન એટેન્ડન્સ સિસ્ટમ લોન્ચ કરવામાં આવનાર છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500