રાજ્યમાં વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિના મામલે ગુજરાત હાઇકોર્ટે સરકાર સામે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારી ભરતી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચલાવી લેવાય નહીં. લાખો યુવાનો રાત-દિવસ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે, તેવામાં કેટલાક અસામાજિક તત્વોને કારણે હજારો યુવાનોને મુશ્કેલી પડે છે.
વર્ષ-2014માં લેવાયેલી ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ચાલી રહેલા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેર-રીતિઓના મામલે આરોપીઓને જામીન આપવા બાબતે પણ કેટલીક ટકોર કરી સંબંધિત કેસમાં કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. હાઈકોર્ટે વધુમાં અવલોકન કરતાં કહ્યું હતું કે, જ્યારે કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષા આપતો હોય છે, ત્યારે પોતે કેટલાય સપનાઓ જોઈ સારી સરકારી નોકરીની કલ્પના કરતો હોય છે. પરંતુ ષડ્યંત્રકારો અને અસામાજિક તત્વોને કારણે પેપર ફૂટી જાય છે અને પરીક્ષા રદ થાય છે, ત્યારે એ સપનાઓ ચકનાચુર થઈ જાય છે. ફરી પરીક્ષા લેવાય એમાં પછી કોઈ કારણોસર ભરતી પ્રક્રિયા અટકી પડે છે. અનેક સરકારી વાતોની વચ્ચે કોઈ ઉજ્જવળ ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500