Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિષ્ણાતોએ કહ્યું - આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કે દેશમાં લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, બસ લોકોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમો પાલન કરવા જરૂરી

  • December 25, 2022 

કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાનાં દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે BF7 વેરિઅન્ટથી ડરવાની, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, પરંતુ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોના પાલન સહિતની તકેદારી રાખવી જોઈએ તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.



ચીનમાં કોરોના વાઈરસે ભારે વિનાશ વેર્યો છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન અંગે લોકોમાં ચિંતા થવા લાગી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકવા અથવા લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ નિરીક્ષણ અને સાવધાની મજબૂત કરવી જોઈએ. એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં કોરોનાના ગંભીર કેસ વધવા અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ નથી, કારણ કે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે ભારતમાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.



દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા પ્રવાસીઓમાં કોરોના વાઈરસની તપાસ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરાયું છે. આ દેશોના પ્રવાસીઓમાં કોરોના વાઈરસના સંક્રમણના લક્ષણો જણાતા અથવા તપાસમાં તેમના સંક્રમણની પુષ્ટી થતાં અથવા તેમના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને સીધા જ ક્વોરન્ટાઈન કરાશે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ એક ફોર્મ ભરીને પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી પણ આપવી પડશે. 




તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, અમદાવાદ, પૂણે, ઈન્દોર અને ગોવા સહિતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બે ટકા પ્રવાસીઓનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ પણ કરી દેવાયું છે. કેન્દ્રની નવી માર્ગદર્શિકા મુજબ પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં બે ટકા પ્રવાસીઓનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. દેશમાં 29 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને 23મીએ દેશમાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા 87,966 છે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા પરથી જણાયું છે. દરમિયાન ભારતમાં બે દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application