માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓ પર તોળાતા જોખમ વિશે લોકજાગૃત્તિ આપવા માટે દર વર્ષે ઓગસ્ટ મહિનાના ત્રીજા શનિવારને ‘વિશ્વ મધમાખી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. લોકોને ઈકોલોજીકલ સિસ્ટમમાં મધમાખીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃત કરવાનો પણ હેતુ છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત અને નાયબ બાગાયત નિયામક કચેરી-સુરતના સંયુકત ઉપક્રમે સુરત અઠવા ફાર્મ સ્થિત અસ્પી બાયોટેકનોલોજી ઓડિટોરીયમ ખાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો, રસ ધરાવતા નાગરિકો માટે મધમાખી ઉછેરની તાલીમ યોજાઈ હતી. જેમાં ૧૫૦ જેટલા વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મધમાખી પાલન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે એગ્રી કોલેજ-વઘઈના આચાર્ય ડૉ. જે. જે. પસ્તાગીયાએ જણાવ્યું હતું કે, મધમાખી પોતે મધ ખાતી નથી, પણ આપણને જ આપે છે.
ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્વરૂપે વધુ ફલીકરણ થાય છે. અને ઉત્પાદન વધે છે. મધથી લોહી શુદ્ધ થાય છે અને લોહતત્વ અને કેલ્શિયમ મળે છે. મધમાખી ઉછેર એ ઉત્તમ આર્થિક વળતર અને ખેડૂતોની આત્મનિર્ભરતાનો પર્યાય છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, દેશના કૃષિ વૈજ્ઞાનિક ડો.સ્વામીનાથન ભારતના ખેડૂતો ઓછી જમીનમાં, ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવે તેના આગ્રહી હતા. તેઓ તકનીકી તાંત્રિકતા અને પર્યાવરણ પ્રિય અને ટકાઉ કૃષિ વિકાસના હિમાયતી હતા. મધમાખી ઉછેર એ એવી પ્રવૃતિ છે, જેમાં કુદરત દ્વારા મળેલા ફુલોનો રસ અને વેડફાઈ જતા પરાગનો ઉપયોગ કરી કુદરતને હાનિ કર્યા વગર દેશનું કૃષિ ઉત્પાદન વધારી શકાય છે.
મધમાખી પાલનને કોઈ ખાસ પ્રકારની જમીનની જરૂરિયાત નથી. મધપેટીને પડતર જમીન પર, જંગલમાં, ખેતરની ફરતે, આંગણમાં કોઈપણ જગ્યાએ મૂકી શકાય છે. આ વ્યવસાય બેરોજગાર, જમીન વિહોણા ગ્રામ્ય લોકો અને શ્રમિક વર્ગને રોજગારી પૂરી પાડવા સક્ષમ છે. સંયુક્ત ખેતી નિયામકશ્રી એચ.એમ.ચાવડાએ જણાવ્યુ કે, મધ અને મીણનુ ઉત્પાદન કરી વેચાણ, મધમાખી ઉછેરના સાધનો બનાવી, મધમાખીની નવી વસાહતો, નવી રાણીઓ બનાવી તેનું વેચાણ, મધને મધપાલકો પાસે એકત્ર કરી પ્રોસેસિંગ-પેકિંગ અને માર્કેટિંગ કરીને વેચાણ, પરાગનયન માટે પેટી ભાડે આપીને તથા લોકોને માર્ગદર્શન આપીને એમ કુલ પાંચ પ્રકારે મધમાખી ઉછેરમાં આવક મેળવી શકાય છે. અસ્પી કોલેજ, નવસારીના મદદનીશ પ્રાધ્યાપક ડો.અભિષેક એ. મહેતાએ મધમાખી પાલનના મહત્વ અને કાળજી અંગે ઉપયોગી જાણકારી આપી હતી.
ન.કૃ.યુનિના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.એન.એમ.ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધન કરી મધમાખી ઉછેર ઓછા સમય અને ટૂંકી જમીનમાં થતી અને ઊંચું આર્થિક વળતર આપતી પ્રવૃત્તિ હોવાનું જણાવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) ડો.રાકેશ કે. પટેલે મધમાખી પાલન દરમિયાન ખેડૂતોએ શું-શું કાળજી લેવી જોઈએ તે અંગેની માહિતી આપી હતી. નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) અને આત્મા(સુરત)ના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીતે મધમાખી પાલનને વ્યવસાય તરીકે અપનાવવા અને મધમાખી ઉછેરમાં રહેલી તકો તેમજ પ્રાકૃતિક ખેતીની અસરકારકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયાએ બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓમાં મળવાપાત્ર લાભો તેમજ ikhedut.gujarat.gov.in અંગે વિસ્તૃત સમજ આપી હતી.
પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જે.એચ.રાઠોડે જણાવ્યું હતું કે, સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને ખેતી તેમજ પશુપાલનને લગતી વિવિધ પ્રકારની તાલીમો પૂરી પાડવામાં આવે છે. ઉત્તમ મધની દેશવિદેશમાં માંગ હોવાથી ખેડૂતો ખેતીની સાથોસાથ મધમાખી પાલનને પણ પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે છે એમ જણાવી તેમણે કેન્દ્રની વિવિધ કૃષિલક્ષી પ્રવૃતિઓની વિગતો આપી હતી. મધમાખી પાલન કરતા પ્રગતિશીલ મધમાખી પાલક ખેડૂતો શ્રી અશોકભાઈ ભગુભાઈ પટેલ અને વિનોદભાઈ નકુમે મધમાખી પાલનના અનુભવો જણાવ્યા હતા. સેશન દરમિયાન મધમાખી ઉછેરની પ્રેક્ટિકલ તાલીમ પણ અપાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500