મુંબઇમાં રવિવારે ગરમીથી આંશિક રાહત બાદ સોમવારે ફરીથી આખા મુંબઇ ફરતે જાણે કે, ગરમીનું મોજું ફરી વળ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. રવિવારની સરખામણી (34.0) એ કોલાબામાં મહત્તમ તાપમાન 35.0 અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રવિવારની સરખામણી (35.5) એ ગતરોજ સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ, રવિવારની સરખામણીએ ગતરોજ કોલાબાના મહત્તમ તાપમાનમાં 2.2 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝના તાપમાનમાં 5.2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જયારે કોલાબામાં ભેજનું પ્રમાણ 78–52 ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ 63-29 ટકા જેટલું ઓછું નોંધાયું હતું.
હવામાન ખાતાએ એવો સંકેત આપ્યો હતો કે, મુંબઇમાં હજી આવતા 48 કલાક દરમિયાન ગરમીનો પારો 38-37 ડિગ્રી જેટલો ઉંચો રહે તેવાં પરિબળો છે. નિષ્ણાત તબીબોએ એવી માહિતી આપી હતી કે, મુંબઇગરાં છેલ્લા પાંચેક દિવસથી બળબળતી ગરમી અને બફારાનો ભારે અકળાવનારો અનુભવ કરી રહ્યાં છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન વાતાવરણમાં ઉની ઉની લૂ ફેંકાય છે. આવા આકરા ઉનાળાને કારણે મુંબઇમાં તાવ, ચક્કર આવવાં, ઉલટી, ભોજનની અરૂચી, ઉંઘ ન આવવી, હાઇ બ્લડ પ્રેશર વગેરે જેવી સમસ્યાના કેસમાં વધારો થયો છે. બીજીબાજુ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રનું હવામાન ઉપર તળે થઇ રહ્યું છે. રાજ્યમાં અસહ્ય ગરમી, ગાજવીજ સાથે વરસાદ અને કરાનું જબરૂ તોફાન થઇ રહ્યું છે. હવામાન ખાતાએ આવતા ચાર દિવસ (તા.26થી 29 એપ્રિલ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં હીટ વેવ (અસહ્ય ગરમીનું મોજું) સાથે આવતા ત્રણ દિવસ (તા.26થી 28 એપ્રિલ) દરમિયાન દક્ષિણ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં વીજળીના કડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાનીને એવી માહિતી આપી હતી કે, હાલ મધ્ય પ્રદેશના અગ્નિ હિસ્સાથી વિદર્ભ અને મરાઠવાડા થઇને કર્ણાટકનાં દક્ષિણ ભાગના આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે સાથોસાથ બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર પણ થઇ રહી છે. આવાં અકળ કુદરતી પરિબળોની વ્યાપક અસરથી રાજ્યમાં ગાજવીજ, તોફાની પવન અને વરસાદ સાથે કરા પડવાનો કમોસમી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રવિવારે દક્ષિણ કોંકણના રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. સાથોસાથ રાજ્યના ગિરિમથક મહાબળેશ્વરમાં ઉનાળામાં પણ શિયાળાના ઠંડાગાર વાતાવરણ સાથે કરા અને વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. પરિણામે મહાબળેશ્વરમાં સ્ટ્રોબેરીના પાકને અને રત્નાગિરિ, સિંદુદુર્ગમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500