ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ 2024માં મલયાલમ ફિલ્મ '2018 એવરીવન ઇસ અ હીરો'ને મોકલવામાં આવશે. આ અંગે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ માહિતી આપી હતી. ફિલ્મ 2018 એવરીવન ઇસ અ હીરો વર્ષ 2018માં કેરલમાં આવેલા પૂરની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં કુદરતી આફત પર માણસની જીતને દેખાડવામાં આવી છે. ફિલ્મ 2018 બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ માટે કંપીટ કરશે. વર્ષ 2002માં આમિર ખાનની ફિલ્મ લગાન બાદ કોઈપણ ઇન્ડિયન એન્ટ્રીને ઓસ્કારમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી નથી.
આ પહેલા માત્ર બે અન્ય ફિલ્મો જ ટોપ 5માં સ્થાન મેળવી શકી છે- નરગિસ સ્ટારર મધર ઇન્ડિયા અને મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મો માટે 96મો ઓસ્કાર એવોર્ડ 10 માર્ચ, 2024ના રોજ લોસ એન્જલસમાં યોજાશે. જૂડ એન્થની દ્વારા ડાયરેક્ટ ફિલ્મ 2018માં ટોવિનો થોમસ, કુંચાકો બોબન, આસિફ અલી, વિનીત શ્રીનિવાસન, નારાયણ અને લાલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ આ વર્ષે મેં મહિનામાં રિલીઝ થઇ હતી અને આ ફિલ્મને ક્રિટીક્સનું શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. આ સાથે ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હીટ રહી હતી. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી મલયાલમ ફિલ્મ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500