ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. બંને ટીમો વચ્ચેની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. રાજકોટમાં યોજાનારી મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો અનુભવી સ્પિનર જેક લીચ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ઘૂંટણની ઈજાને કારણે તે બીજી મેચમાં રમ્યો નહોતો. હવે તે રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં યોજાનારી મેચોમાં પણ નહીં રમે. જેક લીચને બાકાત રાખવા અંગેની માહિતી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા રવિવારે (11 ફેબ્રુઆરી) આપવામાં આવી હતી. ઈંગ્લેન્ડે પુષ્ટિ કરી છે કે ટીમ કોઈ રિપ્લેસમેન્ટને બોલાવશે નહીં.
તેમની ટીમમાં પાર્ટ ટાઈમ જો રૂટ સહિત ચાર સ્પિનરો છે. જેક લીચને હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું હતું. ડાબોડી સ્પિનર લીચ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભાગ લઈ શક્યો નહોતો અને ઈંગ્લેન્ડે તેની ગેરહાજરી અનુભવી હતી. લીચ બીજી ટેસ્ટ બાદ બાકીની ટીમ સાથે આગામી મેચ પહેલા નવ દિવસનો વિરામ પસાર કરવા માટે અબુ ધાબી ગયો. રવિવારે, ECBએ કહ્યું કે તે અબુ ધાબીથી ઘરે પરત ફરશે અને ફિટનેસ પર કામ કરશે. ઇસીબીએ જણાવ્યું હતું કે, "જેક લીચ આગામી 24 કલાકમાં અબુ ધાબીથી ઘરે જશે, જ્યાં ઇંગ્લેન્ડની ટીમ રાજકોટમાં ત્રીજી ટેસ્ટ પહેલા સ્થિત છે." લીચ તેની ફિટનેસને લઈને ઈંગ્લેન્ડ અને સમરસેટની મેડિકલ ટીમો સાથે મળીને કામ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500