લોકોના મોઢા પરથી માસ્ક જરા પણ હટી જાય તો હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે. તો લોકોને અંકુશમાં રાખવા માટે સરકારે કરફ્યૂ પણ લગાવ્યો છે. પરંતુ સરકાર પોતાના જ નેતાઓને અંકુશમાં રાખી શક્તી નથી. કોરોના ગાઈડલાઈનના સરેઆમ ભંગનો કિસ્સો તાપી જીલ્લાના સોનગઢમાં બન્યો છે. ભાજપના જ નેતા કાંતિ ગામિતના પૌત્રીની સગાઈમાં તમામ કાયદા નેવે મૂકાયા છે. ભાજપના માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ વિધિનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. એક તરફ લોકોને લગ્નમાં મંજૂરી નથી મળી રહી, ત્યાં ભાજપના જ નેતાએ ટોળાને ભેગા કરીને પૌત્રીનો સગાઈ પ્રસંગ કર્યો હતો.
નેતા કાંતિભાઈ ગામીતે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. કાંતિ ગામિતે કહ્યું કે, હું માફી માંગુ છું આટલી મોટી સંખ્યામાં લોકો આવવા એ માટે. હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછું છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજ્યો. થઈ ગયુ એ થઈ ગયું. અમે આમંત્રણ નહોતુ આપ્યું, પણ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્સએપના આમંત્રણ પર લોકો આવ્યા છે.
પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં તમામ નિયમોને નેવે મૂકાયા. જેના પરથી લાગે છે કે, નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડે છે. નેતાઓ બિન્દાસ્તપણે પોતાના કાર્યક્રમો યોજે છે. જે રીતે સગાઈમાં ભીડ એકઠી કરાઈ છે, તે જોતા કોરોનાનુ સંક્રમણ વકરી શકે છે. ખુદ પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિત પણ પ્રસંગમાં માસ્ક વગર જોવા મળ્યા હતા. ભાજપે પોતાના નેતાઓને આવા પ્રકારના પ્રસંગો ન યોજવા સ્પષ્ટ સૂચના આપી હતી. છતાં નેતાઓ જ પક્ષની સૂચનાને આંખ આડા કાન કરે છે.
વીડીયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે,કોઈ સામાજિક અંતર નથી. મોટી સંખ્યામાં સગાઈના પ્રસંગમાં લોકો ગરબે રમતા નજરે પડયા. ત્યારે માજી ધારાસભ્યને સોનગઢ પોલીસ સ્ટેશનમાં જવાબ લેવા માટે બોલાવાયા હતા. ત્યારે જોવું એ રહ્યું કે, ભાજપ પક્ષ પોતાના આ નેતા સામે શું પગલા લેશે. આ વીડિયો બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
સૂત્રોનું કહેવુ છે કે, સગાઈમાં 500 થી 1000 માણસોના જમણવારનું રસોડુ હતું. ત્યારે કેવી રીતે આ પ્રકારનું આયોજન કાંતિ ગામિત કરી શકે છે. રાત્રે 9 વાગ્યા બાદ પ્રસંગની પરમિશન નથી. ત્યારે આ સગાઈનો પ્રસંગ મોડી રાત સુધી ચાલ્યો હતો. આવામાં પોલીસ પણ શું કરી રહી હતી તેના પર પણ અનેક સવાલો પેદા થાય છે. કાંતિ ગામિતના પરિવારના પ્રસંગનો વિવાદ થતા તેના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા. રાજ્ય સરકારે સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયોના આધારે વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.
સોનગઢ પોલીસ મથકે જીતુભાઈ ગામીત વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
જોકે સમગ્ર બાબતે જીતુભાઈ ગામીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. એએસઆઈ સુરેશભાઈ ચંપકભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે જીતુભાઈ ગામીત વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500