Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આત્મનિર્ભર ગુજરાતની સશક્ત નારીઓ ‘જય જલારામ સખી મંડળ’ની બહેનો સ્વાદિષ્ટ ચોકલેટ બનાવી આર્થિક ઉપાર્જન મેળવે છે

  • February 11, 2023 

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જય જ્લારામ સખી મંડળની બહેનોએ શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી છે. જય જલારામ સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ અને અન્ય બહેનો વર્ષ-૨૦૧૬થી મિશન મંગલમ યોજના સાથે જોડાયા છે. મિશન મંગલમ યોજના દ્વારા વિવિધ સહાય મેળવવા સાથે  સાડીભરત, સિલાઈકામ અને ચોકલેટ જેવી લઘુઉધોગ સંબંધિત વસ્તુઓની તાલીમ લઇ વર્ષોથી આવક મેળવી રહ્યું છે.






જય જલારામ સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ તેમના મંડળની સાફલ્યગાથા કહેતાં કહ્યું કે, સાત વર્ષથી સતત અમારું મંડળ પ્રગતિ કરે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્વારા અમને અમારી ચીજવસ્તુઓનું વેચાણ થાય અને અમને વેંચાણનું પ્લેટફોર્મ મળી રહે તે માટે અમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે તાલીમ પણ આપવામાં આવી છે. સાત વર્ષ પહેલા અમારે કોઇ આવક ન હતી. આજે સખી મંડળની આ યોજના થકી અમે પગભર થયા છીએ.






જય જલારામ સખી મંડળ વર્ષ-૨૦૨૨માં ચોકલેટ બનાવવાની તાલીમ લઇ વિવિધ પ્રકારની ચોકલેટ બનાવી ઓર્ડર લઇ વેચાણ કરે છે. ઓર્ડર મુજબ ચોકલેટ બનાવીને વેચાણ કરી આર્થિક રીતે પગભર બન્યા છે. સરકારની મિશન મંગલમ યોજનાનો લાભ લઇ પરિવારને પણ મદદરૂપ બની રહયાં છે. સાથે સાથે જય જલારામ સખી મંડળના પ્રમુખ ભાવનાબેન પટેલ મંડળમાંથી ઉપજાવેલ આવકમાંથી આસપાસની ૨૦ જેટલી બહેનોને નજીવા દરે સિવણની તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવી રહયાં છે તેમની આ પહેલ મહિલા સશકિતકરણ ક્ષેત્રમાં મોટું યોગદાન છે.





કેન્દ્ર અને રાજ્ય સરકાર બહેનોની પ્રગતિ થાય અને મહિલાઓનું કલ્યાણ થાય તે માટે ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખીમંડળો સ્વસહાય જૂથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે અને લઘુધિરાણ જોડી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટીંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવા મિશન મંગલમ યોજના ખૂબ જ લાભદાયી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application