તેલંગણામાં રાજ્ય વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઇ ગયો છે. પ્રચારના અંતિમ દિવસે મતદારોને ખેંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને સત્તાધારી બીઆરએસએ સંપૂર્ણ તાકાત લગાવી લીધી હતી.
આ દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મોદી અને અમિત શાહ સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચ સમક્ષ માગ કરી છે. આ માટે કોંગ્રેસનું એક ડેલિગેશન ચૂંટણી પંચને મળ્યું હતું.
'મૂર્ખો કા સરદાર' ટિપ્પણી માટે વડાપ્રધાન મોદી અને 'રાહુ-કેતુ' ટિપ્પણી માટે અમિત શાહ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે મધ્ય પ્રદેશના પાલીઘટના ચૂંટણી અધિકારી સામે પોસ્ટલ બેલેટ સાથે ચેડા કરવાનો પણ આરોપ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે તેલંગણામાં ૩૦ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ સહિત કુલ ૨૨૯૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.રાજ્યમાં ૩.૨૬ કરોડ મતદારો છે. મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે જણાવ્યું હતું કે ચૂંટણી માટે ૨.૫૦ લાખથી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)એ રાજ્યની તમામ ૧૧૯ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. બેઠક વહેંચણી સમજૂતી હેઠળ ભાજપ ૧૧૧ અને જન સેના ૮ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ૧૧૮ બેઠકો અને સીપીઆઇ(એમ) એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.
બીઆરએસ સતત ત્રીજી વખત સત્તા મેળવવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે કોંગ્રેસ ફરીથી સત્તા મેળવવાના પ્રયત્નો કરી રહી છે. પાંચ રાજ્યોની સાથે ત્રણ ડિસેમ્બરે તેલંગણા વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે.કેસીઆર કામારેડ્ડી અને ગજવેલ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500