Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મો યોજાયા

  • June 05, 2022 

સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના મિરકોટ ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવાસેતુના કાર્યક્રમો યોજાયા હતા.




આ પ્રસંગે મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યુ હતું કે, સરકાર પ્રજાના દ્વારે અભિગમ સાથે સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. ત્યારે નાગરિકોએ સરકારશ્રીના વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ. તેમણે વિધવા સહાય, ગંગા સ્વરૂપા પેન્શન યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, દિવ્યાંગો માટેની યોજના, ફ્રિશીપ કાર્ડ વગેરે વિશે વિસ્ટુત ચર્ચાઓ કરી, યોજનાના લાભો અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે વર્તમાન સરકાર ગરીબો અને વંચિતોની ચિંતા કરતી સરકાર છે. ગુજરાતની વિકાસગાથામાં સમગ્ર આદિવાસી સમાજનો સમાવેશ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે એમ ઉમેર્યું હતું.




કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કોઇ પણ નાના-મોટા કામ માટે સરકારી કચેરીએ જવુ પડતું હતું. જ્યારે આજે તમામ ગ્રામ્ય કક્ષાએ લોકોને સુવિધા મળી રહે તે હેતુથી સરકારે સેવાસેતુના કાર્યક્રમો યોજ્યા છે. ત્યારે તમામ અધિકારી-કર્મચારીઓએ વંચિત નાગરિકોને સરકારી યોજનાઓ અંગે જાણકારી આપી સરકારી લાભમાં આવરી તેઓને સરળતાથી લાભો મળે તેની તકેદારી રાખવી જોઇએ. તેમણે નાગરિકો માંથી જે કોઇ સરકારી લાભથી વંચિત હોય તેઓને આજના સેવાસેતુમાં જે-તે લાભ મેળવી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.





આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જિલ્લા અને તાલુકાની વિવિધ બાબતો અંગે મંત્રીશ્રીને અવગત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના લોકો ખુબ ભોળા અને સરળ છે. તેઓની ઉપસ્થિતી દ્વારા તેઓનો ઉત્સાહ દરેક સરકારી કાર્યક્રમમાં જોવા મળે છે. જેના થકી તંત્રને પણ કામમાં પ્રેરણા મળે છે. તાપી જિલ્લામાં વિવિધ વિકાસના કામો થયા છે. અને હાલ પણ અનેક કામો પ્રગતિ હેઠળ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન એ રીતે થયુ છે કે, જેમાં પ્રજાને ૫૬ પ્રકારની સેવાઓ એક સ્થળે જ મળે છે. ૭ થી ૮ ગામોના કલસ્ટર બનાવી જે-તે સ્થળે સેવાસેતુનું આયોજન સપ્ટેમ્બર માસ સુધી કરવાનો નિર્ધાર છે.




આ સાથે તેમણે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ૧૬૯ સબ સેન્ટરો ઉપર પીએમજય કાર્ડ બનાવી આપવાના મહાઅભિયાન અંગે જાણકારી આપી તમામ નાગિકોને આ કાર્ડના ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે વધુમાં વધુ ગ્રામજનોને સેવાસેતુમાં સહભાગી થઇ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉચ્છલના મિરકોટ ઉપરાંત જિલ્લામાં ડોલવણ તાલુકાના પાલાવાડી ખાતે, સોનગઢના બોરદા, નિઝરના રૂમકીતલાવ અને કુકરમુંડાના બેજ ગામ ખાતે, વાલોડના શાહપોર સહિત તમામ જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં તથા વ્યારા નગરપાલિકા વોર્ડ નં.૧ થી ૭ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ-વ્યારા ખાતે અને સોનગઢ નગરપાલિકાનો સેવાસેતુ રંગ ઉપવન-જયબાગ ફોર્ટ સોનગઢ ખાતે સેવાસેતુના કાર્યક્રમો વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.




જિલ્લામાં યોજાયેલ તમામ સેવાસેતુના કાર્યક્રમોમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application