મેલેરીયા મુકત ગુજરાત અભિયાનને વેગવતુ બનાવવા માટે સુરત આરોગ્ય વિભાગ હસ્તકની જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી સુનિશ્ચિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.પ્રશાંત સેલરના સુપરવિઝન હેઠળ જિલ્લા સુરતમાં ૨૪ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન સ્પેશ્યલ સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાં વાહક જનિત રોગ નિયંત્રણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાહકજન્ય રોગોનું વધુ જોખમ ધરાવતા, સુરત જિલ્લાના સુરત શહેરની સીમા નજીકનાં ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારો ધરાવતા ૨૯ ગામોમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે વધારાની ટીમો દ્વારા મહિનાના દર પહેલા અને ત્રીજા શનિવારે સંપૂર્ણ વિસ્તાર આવરી લેવાય તે રીતે સ્પેશ્યલ સર્વેલન્સ કામગીરી કરાવવામાં આવે છે. તા.૦૧/૦૧/૨૦૨૩થી તા.૨૪/૦૯/૨૦૨૩ સુધી જિલ્લા સુરતમાં મેલેરીયાના કુલ ૭૨ કેસો તેમજ ડેન્ગ્યુના કુલ ૩૬ કેસો નોંધાયા છે. જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાય રહેતુ હોય, એવા ૧૬૬૬ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે.
આ ગપ્પી માછલી મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરીને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે પરીણામલક્ષી કાર્યપદ્ધતિ છે. લોકોમાં મચ્છર ઉત્પત્તિ અને મેલેરીયા તથા ડેન્ગ્યુ-ચિકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે પ્રદર્શન, ભીંતસૂત્રો, પત્રિકા વહેંચણી, બેનર, જુથચર્ચા, પ્રેસનોટ, કેબલ ટીવી, એફ.એમ.રેડીયો, રેલીઓ, માઈકીંગ, ભવાઈ શો, નાટક શો તેમજ સોશ્યલ મીડીયા જેવા માધ્યમો દ્વારા જનસમુદાયમાં વાહક જન્ય રોગો અંગે બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મચ્છરથી ફેલાતાં વાહજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેંગ્યુ, ચીકનગુન્યાથી બચવા આટલું અવશ્ય કરીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500