“લેપ્ટોસ્પાયરોસીસ” નામના જીવાણુઓથી થતો રોગ પશુઓ મારફતે મનુષ્યમાં ફેલાતો ગંભીર પ્રકારનો રોગ છે. જે પશુઓના મળમૂત્રના સીધા સંપર્કમાં આવવાથી, હાથપગમાં ચીરા, ઘા કે ઇજા થયેલ હોય ત્યારે આ જીવાણુ મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. દર્દીને તાવ સાથે પેશાબ ઓછો થવો, માથાનો સખત દુઃખાવો, કમળો થવો આંખોમાં લાલાશ થવી, શરીરમાં અસહ્ય દુઃખાવો થવો, નાડી ધીમી પડી જવી, શરીર ઠંડુ થઈ જવું તે આ રોગના મુખ્ય લક્ષણો છે. ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલ લોકોમાં આ રોગ જેવા મળે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ રોગ ખૂબ જ ઘાતક બનતો હોય છે. આ રોગને અટકાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા EMOના સીધા નિરીક્ષણ હેઠળ તા.૧ જૂનથી સુરત જિલ્લાના કુલ ૭૦૩ ગામોમાં સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. જે સર્વેલન્સ કામગીરી દરમ્યાન અત્યાર સુધીમાં રાઉન્ડવાઈઝ રીતે ૧૫,૫૭,૯૮૨ ઘરો, કુલ ૬૪,૯૫,૬૨૯ વસ્તી તેમજ ૮,૯૪,૫૪૭ લોકસંપર્ક તેમજ ૪૩૦ ગ્રામસંજીવની સમિતિની મીટીગ કરવામાં આવી છે.
લોકોમાં લેપ્ટોસ્પાયરોસીસ રોગ વિષે જનજાગૃતિના હેતુથી કાર્ડ, પત્રિકા, બેનર અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા તરફથી ઉંદર નિયંત્રણ કામગીરી અને પશુપાલન શાખા તરફથી સીરો સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં જે ગામમાં લેપ્ટોસ્પાયરોસીસ રોગના કેસ થયેલા હતા ત્યાં કુલ ૧૦,૦૫૦ લાયક વસ્તીનું વિશેષ સર્વેની કામગીરી કરવામાં આવી છે. રોગના અટકાયત માટે તા.૨૪મી જુલાઇ આજદિન સુધી કુલ લેપ્ટોના લક્ષણો જણાતા હોય તેવા ૭૫,૨૬૦ લોકોને ક્રીમોપ્રોફાઇલેક્સીસ અંતર્ગત ડોકસીસાયક્લીન કેપ્સૂલ તેમજ કુલ ૨૨૪ સગર્ભા/ધાત્રી માતાને એજીથ્રોમાયસીનની ગોળી આપવામાં આવી છે. લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી સુરત તરફથી લોકોને પાણીમાં ઉધાડા પગે ન જવું, ખેતીકામ કે ઢોર સાથે કામ કર્યા પછી સાબુ લગાડીને ચોખ્ખા પાણીથી હાથપગ બરાબર સાફ કરવા વગેરે આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી સુરત લેપ્ટોસ્પાયરોસીસ રોગ અટકાયત માટે કામગીરી કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500