આજે સવારે મણિપુરની સાથે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)નાં જણાવ્યા પ્રમાણે મંગળવારની વહેલી સવારે મણિપુરનાં નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મધરાતે લગભગ 2:46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિલોમીટર હતી. બીજી તરફ અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.1 આંકવામાં આવી હતી, જ્યારે તાજિકિસ્તાનમાં 4.3ની તીવ્રતા આંકવામાં આવી હતી આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી હતી.
જોકે, હજુ સુધી કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી મળ્યા. આ અગાઉ તારીખ 19 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશનાં એનટીઆર જિલ્લાનાં નંદીગામા શહેરમાં ભૂકંપ આવ્યો હતો. પરંતુ રાહતની વાત એ હતી કે, જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. રવિવારે સવારે લગભગ 7.13 વાગ્યે આંચકા આવ્યા અને 3.4 સેકન્ડ સુધી રહ્યા હતા. સ્થાનિક લોકો ગભરાઈને ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. આજ દિવસે મધ્યપ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 આંકવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગત રવિવારે અફઘાનિસ્તાનમાં મધરાતે 2.14 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે લોકોના મનમાં ભયનો માહોલ ઉભો થયો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો ઘાયલ થયા અને બેઘર બન્યા છે. લોકો ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે. જોકે તુર્કી અને સીરિયામાં હજુ પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500