તુર્કીની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. જો કે, આ તાજેતરના આંચકા પછી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે.
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી બાદ દુનિયાભરના બચાવ કાર્યકર્તા રાહત કાર્યમાં લાગેલા છે. કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. એકલા તુર્કીમાં મૃત્યુઆંક 40,642 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપને પગલે 84,000 થી વધુ ઈમારતો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા તો પડી ગઈ છે.મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 લાખથી વધુ બેઘર લોકો તુર્કી અને સીરિયામાં આશ્રયસ્થાનોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક એજન્સીઓ ઉપરાંત ભારત સહિત 70થી વધુ દેશો અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.
ભૂકંપ પીડિતો સુધી રાહત સામગ્રી સતત પહોંચાડવામાં આવી રહી છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતીય સેના સતત એક્શન મોડમાં છે. રેસ્ક્યુ ઓપરેશનથી લઈને ઘાયલોની સારવાર સુધી સેના સતત બંને દેશોની મદદમાં લાગેલી છે. જોકે સીરિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભૂકંપના કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે, પરંતુ વિદ્રોહીઓએ આ વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાને કારણે રાહત સામગ્રી પહોંચાડવામાં અડચણ આવી રહી છે.
નોંધનીય છે કે, તુર્કીમાં ભૂકંપનો પહેલો આંચકો 6 ફેબ્રુઆરીએ સવારે 4.17 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 ની તીવ્રતા હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી.
ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500