ફિલિસ્તીનમાં બુધવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ફિલિસ્તીનમાં આ ભૂકંપ એવા સમયે આવ્યો છે, જ્યારે તુર્કી-સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં બંને દેશોમાં 8000 લોકોનાં મોત થયા છે અને બંને દેશોમાં ભૂકંપથી 6000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.
ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ફિલિસ્તીનમાં ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં 10 કિમી ઊંડે હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા રસ્તાઓ પર આવી ગયા હતા. જોકે હજુ સુધી જાનમાલનાં નુકસાનનાં કોઈ સમાચાર સામે આવ્યા નથી.
તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ વિદ્રોહીઓના નિયંત્રણ વાળા સીરિયામાં 1,220 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 812 લોકોના મોત થયા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.
જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું છે. WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. WHOએ તુર્કી અને સીરિયામાં 20 હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે બંને દેશોનાં 23 મિલિયન લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500