Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલ પ્રદેશમાં ભૂકંપ : ભૂકંપનું કેન્દ્ર કિન્નૌર જિલ્લાનાં ચાંગો ખાતે જમીનની અંદર 5 કિલોમીટરની ઊંડાઈએ

  • December 17, 2022 

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. હાલમાં જાનમાલનાં નુકસાનનાં કોઈ સમાચાર નથી. જોકે, થોડીવાર માટે લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. રાજ્યનાં આદિવાસી જિલ્લા કિન્નૌર જિલ્લામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી અને ભૂકંપનું કેન્દ્ર કિન્નૌર જિલ્લાના ચાંગો ખાતે જમીનની અંદર 5  કિલોમીટરની ઊંડાઈએ હતું. હવામાન વિભાગના શિમલા કેન્દ્રે આ બાબતની પુષ્ટિ કરી છે.



જોકે ગતરોજ રાત્રે 10:02 કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. થોડીક સેકંડ માટે ધરતી ધ્રૂજી ઊઠી હતી. આ અગાઉ હિમાચલ પ્રદેશનાં કુલ્લુ અને મંડી જિલ્લામાં તા.16 નવેમ્બર 2022નાં રોજ રાત્રે 9:21 વાગ્યે ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર મંડીથી 27 કિમી ઉત્તર-પશ્ચિમમાં જમીનથી 5 કિમીની ઊંડાઈ સાથે હતું. પર્વતીય પ્રદેશ હોવા ઉપરાંત હિમાચલ પ્રદેશની ગણતરી ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે.




તે સિસ્મિક ઝોન 4 અને 5માં આવે છે જેનો અર્થ છે કે, અહીં તીવ્ર ભૂકંપનો ભય છે. મંડી અને ચંબા, શિમલા અને કિન્નૌર સંવેદનશીલ જિલ્લાઓમાં સામેલ છે. તા.4 એપ્રિલ 1905નાં રોજ કાંગડામાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ભૂકંપના કારણે લગભગ એક લાખ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી જ્યારે 53 હજારથી વધુ પશુઓ પણ ભૂકંપનો ભોગ બન્યા હતા. બીજી તરફ 1975માં કિન્નૌર જિલ્લામાં પણ ભૂકંપ આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application