હવામાન વિભાગે કહ્યું હતું કે, અંદામાન-નિકોબાર સમુદ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ભારતમાં સમય કરતાં વહેલું ચોમાસું આવશે અને આગામી એકાદ સપ્તાહમાં ગરમીથી રાહત મળશે. લક્ષદીપ અને તમિલનાડુમાં આગામી બે દિવસમાં વરસાદ પડશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વરસાદની શક્યતા પણ વ્યક્ત થઈ છે. આંદામાન-નિકોબાર નજીક ચોમાસું બંધાઈ ગયું છે.
આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તમિલનાડુ, કર્ણાટક, કેરળ, લક્ષદીપમાં વરસાદ થશે. એ ચોમાસું ત્યારબાદ એક સપ્તાહમાં દેશભરમાં પહોંચી જશે. દક્ષિણ ભારતના રાજ્યોનું તાપમાન અચાનક બદલી ગયું હતું. વાદળછાયું વાતાવરણ ઉપરાંત તેજ હવાનો અનુભવ થવા લાગ્યો હતો. તેના કારણે ગરમીમાં થોડી રાહત મળી હતી.
બીજી તરફ ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ યથાવત્ રહી હતી. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો થોડો નીચે આવ્યો હોવા છતાં બફારો અને આકરો તાપ અનુભવાતા જનજીવન પર તેની અસર થઈ હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવા વરસાદી ઝાપટાં પડે એવી શક્યતા વ્યક્ત થઈ છે. દિલ્હીમાં તાપમાનનો પારો વિક્રમજનક સપાટીએ પહોંચ્યા બાદ નીચે આવ્યો હતો અને વાતાવરણમાં પલટો દેખાયો હતો. રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં હિટવેવથી એલર્ટ જારી કરાયો છે. સાત રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક પડશે નહીં.
કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર શકીલ અહેમદે એક અહેવાલમાં કહ્યું હતું કે, ભારતનું વાતાવરણ ઝડપભેર બદલાઈ રહ્યું છે. દેશમાં હિટવેવ, વરસાદ અને પૂરની સ્થિતિ વર્ષ દર વર્ષ વધારે ખતરનાક બનતી જશે. આખાય દક્ષિણ એશિયામાં ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસર થઈ રહી છે. તાપમાનનો પારો દર વર્ષે વધતો જશે. હિટવેવની સ્થિતિ હજુય ખરાબ પરિણામો લાવશે. તેનાથી બચવા માટે દેશમાં ગ્રીનકવર વધારવા તરફ નક્કર પગલાં ભરવાની સલાહ તેમણે આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500