Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્ચિમ બંગાળમાં કોર્ટની સુરક્ષા સાથે તૃમમૂલ નેતાઓના ઘરે EDનાં દરોડા : રાશન કૌભાંડ પછી હવે નગર નિગમ નોકરી કાંડમાં તાપસ રોય, સુજીત બોસ, સુબોધ ચક્રવર્તી મુશ્કેલીમાં

  • January 13, 2024 

પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓ પર સંદેશખાલીમાં કાર્યવાહી કરવા ગયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર ટીએમસી કાર્યકરોએ હુમલો કર્યો હતો. આ હુમલાના સપ્તાહ પછી શુક્રવારે ફરી એક વખત ઈડીના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. કોર્ટ તરફથી સુરક્ષા મળતા ઈડીએ શુક્રવારે નગર નિગમ નોકરી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં બે મંત્રી સુજીત બોસ અને તાપસ રોયના ઘર પર દરોડા પાડયા હતા. EDની એક ટીમ અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોસના બે સ્થળો પર પહોંચી હતી તો બીજી ટીમ મંત્રી તાપસ રોયના સ્થળો પર દરોડા પાડવા પહોંચી હતી. આ સિવાય EDની અન્ય એક ટીમે ઉત્તરી દમદમ નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષ અને તૃણમૂલ નેતા સુબોધ ચક્રવર્તીના ઘર પર પણ દરોડા પાડયા છે.



EDના અધિકારીઓ ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે મંત્રીના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે શુક્રવારે વહેલી સવારે 6.30 કલાકે કોલકાતા અને ઉત્તરીય 24 પરગણામાં દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. મધ્ય કોલકાતામાં બીબી ગાંગુલી સ્ટ્રીટ પર રૉયના ઘર, એનએસસીબીઆઈ એરપોર્ટ પાસે શહેરના ઉત્તરીય વિસ્તારમાં લેક ટાઉનમાં સુજીત બોસના બે ઘરો અને ઉત્તર 24 પરગણા જિલ્લાના બિરાતીમાં ચક્રવર્તીના ઘરે દરોડો પાડયો હતો. EDના એક અધિકારીએ શુક્રવારે કહ્યું, કોલકાતા અને તેના બહારના વિસ્તારોમાં અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.



આ કાર્યવાહી ઉત્તર 24 પરગણાના સંદેશખાલી અને બોનગામમાં એજન્સીની બે ટીમો પર હુમલાના એક સપ્તાહ પછી થઈ છે. એપ્રિલ 2023માં કલકત્તા હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીને કથિત અનિયમિતતાની તપાસ કરવા આદેશ આપ્યો હતો. ત્યાર પછી સીબીઆઈએ રાજ્યના બધા જ નગર એકમોમાં કથિત ભરતીના કેસમાં એફઆઈઆર નોંધી તપાસનો આદેશ આપ્યો હતો. EDની પ્રારંભિક તપાસથી જાણવા મળે છે કે નગર એકમોમાં ભરતી કૌભાંડ રૂ.200 કરોડનું હોઈ શકે છે. ED સ્કૂલ ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગની માહિતી મેળવવા પણ એક સમાંતર તપાસ કરી રહી છે.



દરમિયાન પાંચ જાન્યુઆરીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં EDની એક ટીમ પર તૃણમૂલ કાર્યકરોના ટોળાના હુમલામાં ત્રણ અધિકારીઓને ઈજા પહોંચી હતી અને તેમનો સામાન આંચકી લેવાયો હતો. EDની ટીમે આ દરોડો રાજ્યમાં રાશન વિતરણ વ્યવસ્થામાં કથિત અનિયમિતતાઓના સંદર્ભમાં પાડયો હતો. EDનાં અધિકારીઓ દરોડો પાડવા તૃણમૂલ નેતા શાહજહાં શેખના નેતાના ઘરે ગયા હતા. આ હુમલાના વિરોધમાં EDએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ રાજશેખર મંથાએ એફઆઈઆરના સંદર્ભમાં કાર્યવાહી પર 31 માર્ચ સુધી વચગાળાનો સ્ટે મૂકવા આદેશ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application