Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટર અને ડોલવણ પોલીસ કચેરી સહિત રહેણાક આવાસોનું ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

  • May 30, 2022 

ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયો હતો. જેના ઉપક્રમે ગુજરાતના તમામ જિલ્લા સહિત તાપી જિલ્લામાં વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વસ્તી વધી રહી છે પણ ક્રાઇમ નહી જેનું મુખ્ય કારણ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી છે. તહેવારો હોય કે કોઇ ઘટના-દુર્ઘટના બની હોય પોલીસ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નાગરીકોની સુરક્ષા માટે ખડે પગે રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. જેના પગલે ગુજરાતના ૬ કરોડ નાગરિકો શાંતિથી જીવન ગુજારી રહ્યા છે. દેશની સેવામા પરોવાયેલા પોલીસકર્મીના ઘર પરિવારની સુરક્ષા કરવાની જવાબદારી આપણા સૌની છે.


આવા કર્મનિષ્ઠ પોલીસ જવાનો માટે સુદ્રઢ રહેણાંક અને કોર્પોરેટ ઓફિસ જેવી કચેરીઓ બનાવવાનું બીડુ અમિતભાઇ શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વર્તમાન સરકાર કરી રહી છે. તેમણે પોલીસના કડક વલણ પાછળ નાગરિકોનું હિત છુપાયુ છે એમ ઉમેરી સૌ નાગરિકોને નિયમોના પાલન દ્વારા કામગીરીમાં સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. અંતે તેમણે નવનિર્મીત પોલીસ હેડક્વાટર અને ડોલવણ ખાતે પોલીસ કચેરી તથા પોલીસ લાઇન રહેણાંક માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.


કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સુરતમાંથી તાપી જિલ્લો છુટો પડ્યો ત્યારે તાપી જિલ્લામાં તમામ કચેરીઓની હાલત કફોડી હતી. આજે તાપી જિલ્લાની તમામ કચેરીઓ અને સરકારી આવાસો તેના સુંદર બાંધકામ માટે વખણાય છે. તેમા પણ તાપી જિલ્લાનું જિલ્લા સેવા સદન સમગ્ર ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ છે. વર્તમાન સરકારની પ્રાથમિકતા નાગરિકો અને નાગરિકો માટે સતત કામગીરી કરતા સરકારી કર્મચારીઓને પાયાની સુવિધા આપવાની છે. જેના પરિણામે તાપી જિલ્લામાં અનેક નવા નવા નિર્માણો થતા જ રહે છે. નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્તમાન સરકારના પ્રગતિશીલ અભિગમના કારણે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોચી રહી છે. 


કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન આપતા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે ઉપસ્થિત સૌને આવકારતા જણાવ્યું હતું કે,તાપી જિલ્લાના હેડક્વાર્ટરના નિર્માણની કામગીરી  ૨૦૨૦માં શરૂ થઇ હતી. જેના માટે સરકારશ્રી દ્વારા ૬ કરોડ ૯૫ લાખ જેટલી માતબાર રકમ ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત ડોલવણની પોલીસ કચેરી  થતા ૩૨ ક્વાટર જેમાં કોન્સ્ટેબલથી લઇ પી.આઇ સુધીના કર્મચારીઓ માટે રહેણાંક મળી કુલ- ૧૨ કરોડથી વધુના ખર્ચે સુવિધા ઉભી કરવામાં આવી છે. રહેણાંકમાં હોલ, કીચન, બેડરૂમ, શૌચાલય-બાથરૂમ જેવી સુવિધા છે. તાપી જિલ્લાનું પોલીસ હેડક્વાર્ટર જેમાં પરેડ ગ્રાઉન્ડ, અશ્વદળના રખરખાવનું યુનિટ, બેન્ડ યુનિટ, વાહન સેક્શન, ડોગ સ્ક્વોર્ડ યુનિટ જેવી આધુનિક બનાવટ સાથે ઉચ્ચ કક્ષાના ફર્નિચરથી સંપન્ન બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સૌના અભિવાદન કર્યા હતા. 


આ પ્રસંગે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ રણજીતભાઇ જસવંતભાઇ ગામીતના પત્નિ અને બાળક માટે પોલીસ વિભાગ દ્વારા એકત્ર કરેલ ફંડમાંથી મંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૩ લાખ ૧૦ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ સાથે મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૧૫૦ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. 


કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસો ઇ-લોકાર્પણ કાર્યક્રમને લાઇવ નિહાળવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application