ગિફ્ટ સિટીના CEO તેમજ CMOના અધિકારી તરીકે રૂઆબ છાટનાર વિરાજ પટેલ વડોદરા કોર્ટમાંથી ભાગી છુટ્યા બાદ 25 દિવસ પછી મિઝોરમ ખાતેથી ઝડપાઈ ગયો છે. બનાવની વિગત એવી છે કે, વડોદરા ખાતે એક મોડલ સાથે હોટલમાં રોકાયેલો વિરાજ પટેલ ફિલ્મ જોવા ગયો ત્યારે એક પ્રેક્ષક સાથે બોલાચાલી થતા તેણે CMOના ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. પ્રેક્ષકે ગોત્રી પોલીસને બોલાવતા તપાસ દરમિયાન વિરાજ પાસે જુદા જુદા નામના બે પાનકાર્ડ મળી આવ્યા હતા તેમજ તે સીએમઓમાં નહીં હોવાની પણ વિગતો ખુલી હતી.
વિરાજ પટેલ ગિફ્ટ સિટીનો CEO નહીં હોવાની વિગતો ખુલતા મુંબઈની મોડલે તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વીરાજે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નામે તેનું શોષણ કર્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બંને ગુનામાં પકડાયેલો વિરાજ વડોદરા સેન્ટ્રલ જેલમાં હોવાથી ગઈ તારીખ 10મીએ તેને વડોદરા ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તે દરમિયાન પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. વિરાજ પટેલ ભાગી છુટતા પોલીસ તેની શોધખોળ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને શોધવા માટે કામે લાગ્યા હતા.
વિરાજને કોર્ટમાં રજૂ કરનાર જાપ્તાના PSI સહિત બે કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તેમજ તેને શોધવા માટે વડોદરા પોલીસ કમિશનરે જુદી જુદી ટીમો રવાના કરી હતી. ડુપ્લીકેટ CMO વિરાજને શોધવા માટે બનેલી ટીમો જુદા જુદા સ્થળોએ રવાના કરવામાં આવી હતી. પોલીસની ટીમો મિઝોરમ આસામ વિસ્તારના જુદા જુદા સ્થળોએ પહોંચી હતી. ત્યારે મિઝોરમ બોર્ડર પાસેથી વિરાજ ઝડપાઈ ગયો હતો. પોલીસની તપાસમાં 25 દિવસના સમયગાળામાં વીરાજે 7000 કિલોમીટર મુસાફરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. વિરાજ સામે અમદાવાદમાં ચોરી તેમજ ઢગાઈનો પણ એક કેસ થયો હોવાની પોલીસને વિગતો જાણવા મળી છે. તેને વડોદરા લાવી સેન્ટ્રલ જેલમાં સુપ્રત કરવા તજવીજ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500