ગાંધીનગરના સેકટર – 2/ડી ખાતે જેઠાણી સાથે પી.જી માં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી 21 વર્ષીય પરિણીતાએ સાસરિયાંના ત્રાસનાં કારણે ઘરના ત્રીજા માળનાં ધાબા પરથી મોતની છલાંગ લગાવી જીવતર ટૂંકાવી લેતા સેકટર – 7 પોલીસે પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ દુષ્મેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સેકટર – 2/ડી ખાતે 21 વર્ષીય પરિણીતાના આપઘાત પ્રકરણમાં સેકટર – 7 પોલીસ મથકના ચોપડે દુષ્મેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે સેકટર – 7 પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના એક ગામની 21 વર્ષીય યુવતીના લગ્ન એક વર્ષ અગાઉ માલપુર તાલુકાના નજીકના ગામના યુવક સાથે થયા હતા.
જેનો પરિવાર હાલમાં અમદાવાદના નરોડા ખાતે રહે છે. પરિણીતા તેના પતિ તેમજ જેઠાણી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અર્થે સાતેક મહિના અગાઉ ગાંધીનગર આવી હતી . અહીં સેકટર – 2/ ડી ખાતેની પી.જી તરીકે દેરાણી જેઠાણી અન્ય યુવતીઓ સાથે રહેતા હતા. જ્યારે પતિ સેકટર – 13 માં પી.જી તરીકે અન્ય યુવકો સાથે રહેતો હતો. શનિ રવિની રજામાં ત્રણેય જણાં નરોડા જતાં આવતાં હતાં. ગત તા. 15 મી ફેબ્રુઆરીએ રાતના સમયે પરિણીતાએ ઘરના ધાબા પરથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જેને શરૂઆતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલથી ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી.
જ્યાં પિયરીયા પણ આવી ગયા હતા. આ મામલે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મૃતકના પરિવારજનોએ મૃતકને સાસરીમાં ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પીયરીયાની ફરિયાદ મુજબ મૃતકને અગાઉથી ડાયાબીટીસની બીમારી હતી. જે તેની સાસરી વાળાને પણ લગ્ન પહેલાં ખબર હતી. બાદમાં આ મુદ્દે પતિ સહિતના મહેણાં ટોણાં મારી ત્રાસ આપતા હતા. એટલે સુધી કે પરિણીતાને બસ્સો રૂપિયા માટે વલખાં મારવા પડતાં હતાં. જેઠાણી વધુ કરિયાવર લાવી હોવાનું કહી ત્રાસ આપવામાં આવતો હતો. બનાવના દિવસે પરિણીતા મોબાઇલ પર વાત કરી રહી હતી. અને અચાનક પડતું મુકી જીવતર ટૂંકાવી લીધું હતું. જેનાં ફોનના સીડીઆર પણ કઢાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં આ પ્રકરણમાં પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ આઇપીસી 306, 498(ક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500