ચીન અને અમેરિકા સહિત વિશ્વભરમાં ઘણા દેશોમાં કોરોનાનાં કેસોમાં વધારો થતાં ફરી ચિંતા વધી છે. ત્યારે ભારતમાં પણ તકેદારીનાં ભાગરૂપ એક પછી એક રાજ્યોમાં આદેશો બહાર પડાયા છે. તો નીતિ આયોગે ચેતવણીનાં ભાગરૂપે નાગરીકોને મહત્વની સલાહ આપી છે. ભારત સરકારે પણ તકેદારીના ભાગરૂપે નિર્ણય લીધો છે કે, દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયમાં કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોવિડની હાલની પરિસ્થિતિની અંગે નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે.
નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભીડભાડવાળા સ્થળો પર લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. પૂરતી માત્રામાં કોવિડ ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ દરમિયાન આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે આગળ શું પગલાં લેવાના છે. આજે ગુજરાતનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરનાના નવા વેરિઅન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ કર્યો છે. સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવાયું છે.
અધિકારીઓને બેડ, દવાઓ, વેક્સિન અને ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં માત્ર સિંગલ ડિજિટમાં જ કોરોનાના કેસો આવે છે. રાજ્ય સરકાર પણ તમામ તૈયારીઓ પર ધ્યાન આપી રહી છે. સિઝનલ ફલૂ પર લક્ષણો જોઈને સારવાર કરવામાં આવે છે. વિશ્વના કેટલાક દેશોમાં વધતા જતાં કોરોના કેસોને ધ્યાને લઈ ઉત્તરપ્રદેશમાં પણ તકેદારીઓના ભાગરૂપે વિવિધ નિર્ણયો લેવાયા છે. ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે એલર્ટ જારી કર્યું છે. તેમણે કહ્યું કે, આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ તપાસથી લઈને સારવાર સુધીની વ્યવસ્થા શરૂ કરે.
ઉપરાંત એરપોર્ટ પર તકેદારી વધારવામાં આવે. સંક્રમણ પ્રભાવિત દેશોમાંથી આવેલા મુસાફરોની તપાસ કરવા માટે પણ સૂચનાઓ અપાઈ છે. એટલું જ નહીં વાયરસના પ્રકારને શોધી શકાય તે માટે કોરોના પોઝિટિવ દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ થવી જોઈએ. આ સાથે આપને જણાવી દઈએ કે અત્યારે ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ જ સમયે વિશ્વનાં ઘણા દેશોમાં ખાસ કરીને એશિયા અને યુરોપમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના સ્પાઇકમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. જયારે ગત તા.18 ડિસેમ્બરે કોરોનાના આંકડો દોઢ મહિનામાં 55 ટકા વધી ગયો છે. આ આંકડો હવે 3.3 લાખથી વધીને 5.1 લાખ થઈ ગયો છે જે આવનારા સમયમાં વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક બની શકવાનો અંદાજ મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500