ઔદ્યોગિક વસાહત શાપર-વેરાવળમાં ચારિત્ર્યની શંકા પરથી પ્રેમીએ પરીણીત પ્રેમીકાની પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ નજીકના વીજ થાંભલા સાથે લટકાડી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શાપર પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. વંથલીના નવાગામમાં રહેતા અને ખેત મજુરી કરતા મધુબેન મનોજભાઈ ગોપાણી (ઉ.વ.૪પ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન ર૪ વર્ષ પહેલાં જૂનાગઢના ભવનાથમાં રહેતાં રમેશ મેરામ મકવાણા સાથે થયા હતા. તેના થકી સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જેમાંથી મોટો પુત્ર અજય દસેક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો.
બીજા નંબરની પુત્રી જાગૃતીના લગ્ન ચાર વર્ષ પહેલા મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સતિષ ચંદુભાઈ ગરસાણીયા સાથે કર્યા હતા. સૌથી નાની પુત્રી કિરણ માનસિક રીતે અસ્થવસ્થ હોવાથી તેની સાથે રહે છે. તેના પ્રથમ પતિનું દસેક વર્ષ પહેલાં અવસાન થયા બાદ તેણે વંથલીના નવાગામે રહેતા મનોજ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના થકી કોઈ સંતાન નથી. મનોજનું પણ આજથી ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું હતું. ચાર વર્ષ પહેલાં પરણાવેલી તેની પુત્રી જાગૃતી (ઉ.વ.ર૧) તેની વાડીએ છૂટક મજુરીએ કામે આવતાં ઝીંઝુડાના મયુર ગીરધર સીરવાડીયા સાથે દોઢેક માસ પહેલાં ભાગી ગઈ હતી.
ત્યાર પછી તેની પુત્રી જાગૃતી સાથે ફોનમાં અવાર-નવાર વાતચીત થતી ત્યારે તે કહેતી કે તે મયુર સાથે શાપરના કારખાના વિસ્તારમાં રહે છે. એટલું જ નહીં મયુર તેને અવારનવાર તારે બીજા સાથે લફરા છે તેમ કહી હેરાન કરે છે. આ ઘટનાક્રમ વચ્ચે તેની પુત્રી જાગૃતીની મયુરે હત્યા કરી નાંખ્યાની જાણ પોલીસ મારફત થઈ હતી. જેથી શાપર જઈ મયુર સામે પુત્રીની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મયુર શાપરના કારખાનામાં નોકરી કરતો હતો.
કારખાનાની ઓરડીમાં જાગૃતી સાથે રહેતો હતો. તેના ચારિત્ર્ય બાબતે શંકા જતાં અવાર-નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. રાત્રે ડીવાઈન મશીન્સ નામના કારખાનાની બહાર ફરીથી બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા મયુરે, જાગૃતીને પથ્થરના બે ઘા ઝીંકી દીધા હતા. આમ છતાં તે મૃત્યુ નહીં પામ્યાનું જણાતાં નજીકના થાંભલા સાથે તેને લટકાડી દીધી હતી. જોકે મયુરે હત્યા કર્યા બાદ લાશ લટકાડી કે પછી જાગૃતીને જીવીત હાલતમાં લટકાડી તે વિશે કોઈ ચોકકસ માહિતી બહાર આવી નથી. આ માટે એફએસએલનો અભિપ્રાય લેવાયો છે. જોકે આ મામલે પી.આઈ., આર.કે.ગોહિલે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500