Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદ કારણે ઢાઢર નદી ગાંડીતૂર બનતા કિનારાનાં ડભોઇ તાલુકાનાં 8 ગામો સંપર્ક વિહોણા

  • July 12, 2022 

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામોને અસર પહોંચી છે. તો બીજી બાજુ ઢાઢર નદી ગાંડીતૂર બનતા કિનારાના ડભોઇ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી 208 ઉપર પહોંચી છે. વડોદરા જિલ્લા માટેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન 2022 બનાવવામાં આવ્યો છે.




છોટાઉદેપુર જિલ્લામાં 8 થી 22 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લો જળમગ્ન બની ગયો છે. ચારે બાજુ પાણી પાણી થઇ ગયો છે. નદી-નાળા છલકાઇ ગયા છે. વડોદરા સુધી આવતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતી સર્જાતા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વડોદરા નજીકથી પસાર થતી જાંબુવા નદીના પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.




જોકે નદીના પાણી પુલ ઉપરથી વહેવાનું શરૂ થતાં આસપાસના સાત ગામોને અસર પહોંચી છે. નદી કિનારાની આસપાસમાં આવેલા ખેતરમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા છે. આ ઉપરાંત ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાનાં લુણાદરા, કબીરપુરા, અમરેશ્વર, બંબોજ વસાહત સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.




વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગામના તલાટીઓને બીજો સંદેશો આપવામાં ન આવે ત્યાં સુધી ગામ ન છોડવા આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાં પણ થઇ રહેલી અસરના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં વરસાદ બંધ હોવાથી તંત્રએ રાહત અનુભવી છે.




વડોદરા જિલ્લા માટેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન 2022 બનાવવામાં આવ્યો છે. આ પ્લાનમાં જણાવ્યા પ્રમાણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ચોમાસામાં અસર કરતી મુખ્ય મોટી અને બારમાસી નદીઓ નર્મદા અને મહી છે. આ ઉપરાંત ઓરસંગ પણ પ્રભાવ પાડે છે. જ્યારે ઢાઢર, વિશ્વામિત્રી, દેવ જેવી નદીઓ છે જે બારમાસી નથી પણ બંધ કે સરોવરમાંથી અને ઉપવાસથી પાણીની ભારે આવક થતાં ચોમાસામાં એકાદવાર તો ચિંતા ઊભી કરે જ છે.




આજવા અને પ્રતાપપુરા ઉપરાંત કેટલાક સિંચાઇ તળાવો અને ગામ તળાવો પણ છે જેની સપાટીનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું હોય ત્યારે ગરુડેશ્વરના પૂલ પર પાણીની સપાટી અને મહી નદી પરના વણાકબોરી આડબંધમાંથી છોડવામાં આવતા પાણીની અસરની શક્યતાઓ અનુસાર બચાવ અને રાહતનું આયોજન કરવું પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application