ગત સપ્તાહથી શરૂ થયેલા ભારે વરસાદે સૌરાષ્ટ્રભરમાં કેર વર્તાવ્યો છે અને ચોમેર ખેતીવાડીમાં વ્યાપક પ્રમાણમાં તારાજી થઈ છે તેમાં ગોહિલવાડનો મીઠા ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં હજારો ટન મીઠાના પાકને પણ પારાવાર નુકશાન થવા પામેલ છે. સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, ગોહિલવાડમાં અતિવૃષ્ટિનાં કારણે ખેતીવાડીને કરોડો રૂપીયાનું નુકશાન થયેલ છે. તેમાં નમક ઉદ્યોગ પણ બચ્યો નથી. ભાવનગર શહેરના નવા બંદર, ઘોઘા, મહુવા તેમજ અમદાવાદ રોડ પર કુલ મળીને 35થી વધુ નાના મોટા નમકના યુનિટો આવેલા છે.
જે પૈકી મોટા ભાગના યુનિટોમાં અતિવૃષ્ટિથી હજારો ટન મીઠાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. આ નમકના એકમોના પાળાઓ સંપુર્ણપણે ધોવાઈ ગયા છે તો વળી કયાંક તૂટી પણ ગયા છે જેથી તૈયાર કરાયેલુ મીઠુ પણ પલળી જવા પામેલ છે. અતિવૃષ્ટિથી ગુજરાતના મીઠાના ઉદ્યોગને કરોડો રૂપીયાનું નુકશાન થયેલ છે. અનેક અગરો ભારે પાણીના પ્રવાહમાં બરબાદ થઈ ગયા છે. કયારાઓ, અગરોમાં પાણી ભરાયેલા રહ્યા છે. મીઠાનો તૈયાર માલ પણ ધોવાઈ ગયો છે, પાળાઓ તૂટી ગયા છે. જોકે, ગત તારીખ 30 જુને મીઠાની સિઝન પુર્ણ થઈ ગઈ હોવાથી અનેક સ્થળોએથી મોટા ભાગનો મીઠાનો જથ્થો બહાર નિકળી ગયો હતો.
તેથી વધુ નુકશાન થયુ નથી પણ નમક ઉદ્યોગની વિવિધ માળખાકીય સવલતો, સાધન સામગ્રીઓ,મશીનરીઓને નુકશાન ચોકકસપણે થયેલ છે. અનેક અગરોમાં ખુલ્લામાં પડેલો માલ ધોવાઈ ગયો છે. કયારામાં પડેલો માલ સંજોગોવશાત બહાર કાઢી શકાયો ન હતો તે મીઠુ વરસાદી પાણીમાં ઓગળી ગયેલ છે. મોટા ભાગના અગરો પાણીમાં ગરકાવ થયા છે.જિલ્લામાં દરીયાકાંઠાના અગરો ખાતે હાઈ ટાઈડ, ભારે વરસાદ અને ભારે પવનના કારણે પણ પાળાઓ તૂટી ગયા છે. અનેક સ્થળોએ પ્લાન્ટ અને મોંઘીદાટ મશીનરીઓને પણ ડેમેજ થયેલ છે. તરી ધોવાઈ ગઈ છે. વરસાદ બંધ થાય ત્યારબાદ મીઠાના એકમોમાં સ્થળ તપાસણી બાદ નુકશાનીનો આંકડો જાણવા મળશે તેમ મીઠાના અગરના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500