સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને માંડવી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના સુરત સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના જળાશયો ફરી જીવંત થયા છે અને જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. ત્યારે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ મેઘરાજાની પ્રથમ ઈનિંગમાં જ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.
કાકરાપાર ડેમમાં નવા નીર આવતા માછીમારો પણ માછીમારી કરવા ડેમ પર પહોંચી ગયા હતા સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં 2403 મિમી, ઓલપાડમાં 1122 મિમી, કામરેજ તાલુકામાં 1414 મિમી, ચોર્યાસી તાલુકામાં 1434 મિમી, પલસાણા તાલુકામાં 1505, બારડોલીમાં 1440 મિમી, મહુવામાં 1543 મિમી, માંગરોળમાં 1824 મિમી, માંડવીમાં 1324 મિમી, સુરત સીટીમાં 1505 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારી જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં 265 મિમી સાથે 11 ટકા વરસાદ, ઓલપાડમાં 91 મિમી સાથે 8.11 ટકા, કામરેજમાં 315 મિમી સાથે 22.28 ટકા, ચોર્યાસી તાલુકામાં 107 મિમી સાથે 7.30 ટકા, પલસાણામાં 444 મિમી સાથે 29.49 ટકા, બારડોલીમાં 523 મિમી સાથે 36.30 ટકા, મહુવામાં 554 મિમી સાથે 35.89 ટકા, માંગરોળમાં 208 મિમી સાથે 11.40 ટકા, માંડવીમાં 344 મિમી સાથે 25.98 ટકા જ્યારે સુરત સીટીમાં 209 મિમી સાથે 13.88 ટકા વરસાદ નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500