ડાંગ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદને કારણે મહાલની પ્રવાસન કેમ્પ સાઈટને ભારે નુકસાન થતા હાલમાં કેમ્પ સાઈટ પ્રવાસીઓ માટે બંધ કરાઈ છે. ડાંગ જિલ્લામાં ગત દિવસો દરમિયાન ખાબકેલા અનરાધાર વરસાદને કારણે ઉત્તર વન વિભાગની મહાલ સ્થિત ઈકો કેમ્પ સાઈટને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉત્તર ડાંગ વન વિભાગનાં નાયબ વન સંરક્ષકનાં જણાવ્યાનુસાર પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરે મહાલની કેમ્પ સાઈટને ભારે ક્ષતિ પહોંચાડી છે.
ત્યારે પૂર્ણા તટે આવેલ આ કેમ્પ સાઈટનું મોટાપાયે સમારકામ કરવુ આવશ્યક છે. જેથી હાલનાં સંજોગોમા મહાલ કેમ્પ સાઈટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે. ગુજરાતભરનાં પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓમાં લોકપ્રિય એવી મહાલ કેમ્પ સાઈટનું સમારકામ પૂર્ણ થયેથી તે નવા રૂપરંગ સાથે ફરીવાર પર્યટકોની સેવા માટે ખુલ્લી મુકાશે.
આ અંગેની જાણકારી અને અપડેટ માટે https://mahalcampsite.com જોતા રહેવા પણ ડીસીએફએ જણાવ્યુ હતું. જોકે ઠેક ઠેકાણે ભારે વરસાદને કારણે નુકસાની થતા ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત ઘણા પ્રવાસી સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500