મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. છોટા ઉદેપુરમાં પણ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ આણંદના બોરસદમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. વડોદરા શહેરમાં ગત રોજ વરસેલા છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ પડી રહ્યો છે.
હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારને જોડતું રેલવે ગરનાળું પણ વરસાદી પાણીમાં ગરકાવ થતાં બંધ થયું છે. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. મકરપુરા રોડ સુસેન ચાર રસ્તા પર મુખ્ય માર્ગ પર જ મસમોટો ભૂવો પડ્યો છે. આખે આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતાં તંત્ર દ્વારા બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું. ભૂવાના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. શહેરમાં ચોમાસામાં અત્યાર સુધી 20થી વધુ ભૂવા પડ્યા છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેસરમાં 3.3 ઇંચ, પાદરામાં 2.7 ઇંચ, સાવલીમાં 2.3, વડોદરામાં 2, વાઘોડિયામાં 1.2, કરજણમાં 1.2, ડભોઈમાં 1.2 ઇંચ અને સિનોરમાં 3 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કરજણમાં 6.2 ઇંચ, સિનોરમાં 4.4, વડોદરામાં 3.7, પાદરામાં 1.5, ડભોઈમાં 1.5, સાવલીમાં 14 મિ.મી., વાઘોડિયા અને ડેસરમાં 8-8 મિ.મી. વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે આજવા સરોવરની જળ સપાટી 211.80 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 18.25 ફૂટે પહોંચી ગઈ છે.
હવામાન વિભાગે આજે વડોદરા માટે રેડ ઍલર્ટ જાહેર કરેલું છે. છે. વડોદરા શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર ઍલર્ટ બન્યું છે. તમામ અધિકારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડક્વાર્ટર પર હાજર રહેવા તાકીદ કરાયા છે. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી ગઈ છે. આ સિઝનમાં પ્રથમવાર એક સાથે 23 દરવાજા 2.2 મીટર ખોલાયા છે, જેના કારણે ભરૂચ,વડોદરા અને નર્મદા ના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. શહેરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઑવરફ્લો થયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
છોટા ઉદેપુરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લામાં પણ સતત વરસાદ પડવાના કારણે અનેક સ્થળોએ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. નડિયાદમાં છ તો વસોમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત કપડવંજમાં મેઘરાજા ધડબડાટી બોલાવતાં ચોતરફ પાણી ભરાયા છે. મહુઘા, મહેમદાવાદ અને કઠલાલમાં વરસાદ ખાબક્યો હતો. વર્તમાન પરિસ્થિતિ તથા હવામાન વિભાગના રેડ ઍલર્ટ ધ્યાને લઈ આવતીકાલે 27 ઑગસ્ટે તમામ આંગણવાડી, શાળાઓ અને કૉલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આણંદ, હવામાન વિભાગની આગાહી મુજબ આજે પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આજે સવારે છ કલાકથી બપોરના બે કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સતત વરસાદ ચાલુ જ રહ્યો છે. આ દરમિયાન તારાપુર તાલુકામાં છ ઇંચ, સોજીત્રા તાલુકામાં પાંચ ઇંચ, ઉમરેઠ તાલુકામાં ચાર ઇંચ, આણંદ તાલુકામાં છ ઇંચ, પેટલાદ તાલુકામાં પાંચ ઇંચ, ખંભાત તાલુકામાં છ ઇંચ, બોરસદ તાલુકામાં આઠ ઇંચ અને આંકલાવ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
પંચમહાલના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગોધરાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. ગોધરા-દાહોદ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, શહેરા, મોરવા હડફ અને જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલના મોરવા હડફમાં ચાર કલાકમાં પાંચ ઇંચ, આણંદમાં 4.48, ગોધરામાં ચાર ઇંચ જ્યારે મહીસાગરના સંતરામપુર, ફતેપુરા, દેસર, નડિયાદમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવનના કારણે જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી. આજે બપોરે બે વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે.
લીમખેડામાં 4.25 ઇંચ, સિંગવાદમાં 4 ઇંચ, ફતેપુરમાં 4 ઇંચ, સંજેલીમાં 2.5 ઇંચ, દાહોદમાં 2.5 ઇંચ, ઝાલોદમાં 2.5 ઇંચ, દેવગઢ બારીયા 1.75 ઇંચ વરસાદ થયો છે. ઝાડ પડવાની ઘટના ધ્યાને આવતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક કામગીરી કરી રસ્તો ખુલ્લો કર્યો હતો. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 27 ઑગસ્ટ સુધી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 28 ઓગસ્ટે ખેડા અને આણંદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. તો 29 ઑગસ્ટે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application