ખંભાળિયા શહેરનાં હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ રવિવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા એક પરિવારના 11 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 7 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયા સતત વ્યસ્ત એવા મુખ્ય બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલા એક ગૃહસ્થની માલિકીના આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા.
ખંભાળિયામાં અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ જતા એક જ પરિવારના 11 લોકો દટાયા હતા. મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 7 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી દ્વારકા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે જેના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
ત્યારે આ વર્ષો જૂના જર્જરિત મકાનનો ભાગ તૂટી જતાં આખો પરિવાર દટાયો હતો. મકાન ધરાશાયી થયું હોવાના બનાવની જાણ થતાં પાલિકાના સત્તાધીશો, મામલતદાર, એનડીઆરએફ અને 108 સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરીને જેસીબીની મદદથી કાટમાળ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે ઘી ડેમમાં ત્રણ ફૂટ પાણીનો વધારો થતા ડેમની સપાટી 13 ફૂટે પહોંચી હતી.
બીજી તરફ, સિંહણ ડેમાં છેલ્લા 24 કલાકની અંદરમાં વરસાદી પાણીની આવક વધતા સાત ફૂટ પાણીમાં વધારો નોંધાયો હતો. જેથી ડેમની સપાટી 21 ફૂટને પાર પહોંચતા સિંહણ ડેમ ઑવરફ્લો થયો હતો. દ્વારકા-ખંભાળિયા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ભાણવડ તાલુકાના આજે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં ખંભાળિયા સહિત ભાણવડ તાલુકામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાતા અનેક જગ્યાએ વીજળી પડી હતી. જ્યારે છેલ્લા 24 કલાકની અંદરમાં ચાર ઈંચ વરસાદ નોંધાવાની સાથે ભાણવડમાં કુલ 476 મિ.મી. વરસાદ પડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500