દેશમાં કોરોનાનાં દૈનિક સરેરાશ કેસોની સંખ્યા 15 હજારથી વધારે હોવાથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે, સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં મોટી ભીડ એકત્રિત કરવામાં ન આવે અને કોરોનાનાં નિયમોનું પાલન કરવામાં આવે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દરેક જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાના પણ નિર્દેશ આપ્યા છે. આ અભિયાન 15 દિવસ અને એક મહિના સુધી ચલાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ દરમિયાન દેશમાં કોરોનાના નવા 16,561 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા વધીને 4,42,557 થઇ ગઇ છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,23,535 થઇ ગઇ છ તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 49 લોકોનાં મોત નોંધાતા કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને 5,26,928 થઇ ગયો છે.
જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 1541નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દૈનિક પોઝિટિવ રેટ 5.44 ટકા અને સાપ્તાહિક પોઝિટિવ રેટ 4.88 ટકા નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના કુલ 207.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500