નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા કેરળના સમુદ્ર કાંઠેથી ૨૫૦૦ કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. જેની માર્કેટ કિમત આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા છે. ભારતીય નેવી અને ડ્રગ્સ એજન્સી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જે દરમિયાન એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. સમુદ્ર માર્ગેથી અફઘાનિસ્તાનથી ભારતમાં ઘૂસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટ સામે ચલાવવામાં આવી રહેલા સમુદ્રગુપ્ત ઓપરેશનના ભાગ રૂપે આ ડ્રગ્સ ઝડપાયું છે.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કોચી સમુદ્ર કિનારે એક મોટી શિપમાં આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું, પહેલી વખત એક મોટી શિપમાં આટલા મોટા જથ્થામાં એજન્સીએ ડ્રગ્સ જપ્ત કર્યું છે. એવા અહેવાલો છે કે આ ડ્રગ્સને અફઘાનિસ્તાનથી કેરળમાં ઘૂસાડવામાં આવી રહ્યું હતું. જે ડ્રગ્સ ઝડપાયું છે તેને મેથામફેટામાઇન તરીકે ઓળખવામાં આવે છે જે એક સમયે ડેથ ક્રીસેંટ તરીકે પણ ઓળખાતું હતું. પહેલી વખત એવુ બન્યું છે કે ભારતીય એજન્સીએ ડ્રગ્સ લઇને જઇ રહેલી મધર શિપને જપ્ત કરી છે.
૧૫ દિવસ પહેલા જ એનસીબી અને ભારતીય નેવીને આ વિશાળ ડ્રગ્સ કન્સાઇન્મેન્ટની જાણકારી મળી ગઇ હતી. જેમાં એવો સંદેશો મળ્યો હતો કે એક વિશાળ શિપમાં લાવવામાં આવી રહેલુ ડ્રગ્સ ભારતીય સમુદ્ર કિનારેથી પસાર થશે. જેને પગલે નેવીને પણ સક્રિય કરી દેવામાં આવી હતી. આટલા મોટા ડ્રગ્સ રેકેટમાં એક મોટી ગેંગ પણ સામેલ હોવાની શક્યતાઓ છે. હાલ જે પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછમાં આ અંગે ખુલાસો થઇ શકે છે. જો આ ડ્રગ્સ કેરળમાં ઘૂસાડી દેવામાં આવ્યું હોત તો તે બાદમાં અન્ય રાજ્યોમાં પણ પહોંચી જાત અને અનેક લોકો આ ઝેરી નશાનો ભોગ બની જાત. તેથી નેવી અને એનસીપી માટે આ એક મોટી સફળતા પણ માનવામાં આવે છે. હાલ આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સામેલ છે અને પાકિસ્તાનનો તેમાં હાથ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500