ઈંગ્લેન્ડનાં કેટલાય વિસ્તારોમાં દૂકાળની સ્થિતિ જાહેર કરી દીધી છે. સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી હોવાથી હવે કમર્શિયલ હેતુથી પાણીનો વપરાશ ઓછો થઈ જશે. ખેતી અને પશુપાલનને પણ પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડે એવી દહેશત છે. આખાય બ્રિટનમાં હીટવેવનો બીજો રાઉન્ડ શરૂ થઈ જતાં જનજીવન બેહાલ થઈ ગયું છે. લંડનની થેમ્સ નદીનો પાણીનો જથ્થો સૂકાવા લાગ્યો છે. વર્ષ 1935 પછી પહેલી વખત આ વર્ષે ઈંગ્લેન્ડમાં ઓછો વરસાદ પડયો છે. બ્રિટનની સરકારે ઈંગ્લેન્ડના કેટલાય વિસ્તારોમાં દૂકાળની સ્થિતિ જાહેર કરી છે.
બ્રિટિશ પાણી પૂરવઠા મંત્રી સ્ટીવ ડબલે જણાવ્યું હતું કે, બ્રિટન બીજા હીટવેવનો સામનો કરી રહ્યું છે. તાપમાનનો પારો સતત ઊંચો ચડતો હોવાથી લોકો બેહાલ થયા છે. જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ વર્ષે વરસાદ ઘણો જ ઓછો પડયો હોવાથી પાણીની અછત સર્જાવા લાગી છે. રાષ્ટ્રીય દૂકાળ સમિતિના સભ્યો, પર્યાવરણ એજન્સીઓ, નિષ્ણાતો, પાણી પૂરવઠા કંપનીઓ સાથે વાતચીત અને સલાહસૂચન કર્યા બાદ બ્રિટિશ સરકારે કેટલાક વિસ્તારોમાં દૂકાળની પરિસ્થિતિ જાહેર કરી છે.
જયારે પાણી પૂરવઠા મંત્રી સ્ટીવ ડબલે કહ્યું હતું કે, ઘર વપરાશનો પૂરવઠો ન ઘટે એ માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પાણી પૂરવઠા કંપનીઓએ ધરપત બંધાવી છે કે પાણીનો પૂરવઠો ઘટવા દેવાશે નહીં, તેમ છતાં લોકો જળ બચાવે તે જરૂરી છે. એ સિવાય ખેતી અને પશુપાલનના ક્ષેત્રમાં આ વર્ષે પાણીની અછતનો સામનો કરવો પડે એવી પૂરી શક્યતા છે. વળી, જંગલના સજીવોને પણ પૂરતું પાણી ન મળે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
અગાઉ બ્રિટનમાં 2018માં કેટલાક ભાગોમાં દૂકાળ પડયો હતો. એ પહેલાં 2011માં દૂકાળની સ્થિતિ જાહેર કરવી પડી હતી. જોકે, આ વખતની સ્થિતિ એ બંને વર્ષો કરતાં ઘણી અલગ છે. ભારે તાપમાનના કારણે નદી-તળાવોમાં પાણીનો જથ્થો સતત ઓછો થવા લાગ્યો છે. થેમ્સ નદીનું જળસ્તર નીચું ગયું છે. કેટલાક એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહે છે કે દૂકાળની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને એજન્સીઓ બિલકુલ તૈયાર જણાતી ન હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
વર્ષ 1935 પછી પહેલી વખત બ્રિટનમાં જુલાઈમાં માત્ર 35 ટકા જ વરસાદ થયો હતો. ઓગસ્ટમાં પણ વરસાદનું પ્રમાણે સાવ નહીંવત નોંધાયું હતું. હવામાન વિભાગે આખા મહિના દરમિયાન રેડ એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી. અગાઉ ઓગસ્ટ માસમાં રેડ એલર્ટ જાહેર કરવાનું ભાગ્યે જ બનતું હતું. જુલાઈમાં ભારે હીટવેવના કારણે વીજળીની અછત પણ સર્જાઈ હતી. ઓગસ્ટમાં કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અછત સર્જાઈ રહી છે.
બીજી તરફ ફ્રાન્સમાં પણ તાપમાન ભારે વધતાં જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. 7000 હેક્ટરમાં લાગેલી આગને કાબૂમા લેવાની મથામણ દરમિયાન એ વિસ્તારમાંથી 10 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જંગલની આગને કાબૂમાં લેવા માટે ફ્રાન્સના ફાયર ફાઈટર્સ પહોંચી વળે તેમ ન હોવાથી મિત્ર દેશોએ ફાયર ફાઈટર્સ મોકલ્યા હતા. પોલેન્ડ, જર્મની, સ્વીડન, ગ્રીસ, રોમાનિયામાંથી ફાયરફાઈટર્સ ફ્રાન્સ આવ્યા હતા. જોકે 1100 ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા ઝઝૂમી રહ્યા છે. આખા યુરોપમાં તાપમાનનો પારો ઊંચો ચડતાં જનજીવન અસરગ્રસ્ત થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500