નવસારી હાઈવે રોડના વેસ્મા ઓવર બ્રિજ પાસેથી એલ.સી.બી. પોલીસે રૂપિયા ૧.૩૯ લાખનો ઈંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂપિયા ૬.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસનાં પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિ.ની પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, સેલવાસથી ફોર્ડ ઈકો સ્પોર્ટ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત લઈ જવામાં આવી રહ્યો છે.
જેના આધારે એલ.સી.બી.નાં સ્ટાફે નવસારી હાઈવે રોડના વેસ્મા ઓવર બ્રિજ પાસે વોચ ગોઠવી રૂપિયા ૧,૩૯,૭૭૬/-ની કિંમતનો દારૂ ભરેલ કાર સાથે તેના ડ્રાઈવર સૂરજ ઉર્ફે દાદા જેસિંગ ગીરાસે (રહે.અંબાજીનગર વિભાગ-૨, વિજલપોર, નવસારી)નાંને ઝડપી લીધો હતો. આ સાથે જ પોલીસે ઈંગ્લીશ દારૂ અને કાર મળી રૂપિયા ૬,૪૪,૮૭૬/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે એલ.સી.બી.ની પુછપરછમાં ડ્રાઈવર સુરજ ગીરાસેની કબૂલાતના આધારે પોલીસે ઈંગ્લીશ દારૂ ભરાવનાર રાહુલ કૈલાશ સેન્ટર (રહે.ઈન્ડિયા કોલોની, વિજલપોર, નવસારી) અને સેલવાસથી દારૂ ભરી આપનાર કાસિમ કુરેશી (રહે.મંડોલી, સેલવાસ) તથા ઇકો કારમાં પાયલોટિંગ કરનાર રાહુલ સેનકરના એક મિત્ર અને ઈંગ્લીશ દારૂ મંગાવનાર સુરતનાં તજ્ઞો નામના ઈસમની ગુનામાં સંડોવણી બહાર આવી હતી. તેથી તે તમામને વોન્ટેડ જાહેર કરાયા હતા. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિ. એક્ટનો ગુન્હો દાખલ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500