નવસારી હાઇવે રોડના બોરીયાચ ટોલનાકા પાસેથી એલ.સી.બી. પોલીસે ગોવાથી અંકલેશ્વર લઇ જવાતા રૂપિયા ૬.૯૬ લાખનો ઇંગ્લીશ દારૂ ભરેલ આઇસર ટેમ્પા સાથે તેના ચાલકને ઝડપી પાડી ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી રૂપિયા ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.નાં પી.આઇ.નાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થર્ટી ફસ્ટ નિમિત્તે સ્પે. પ્રોહિબીશન ડ્રાઈવ માટે પેટ્રોલીંગમાં હતાં.
તે વખતે બાતમી મળી હતી કે, ગોવાથી મોટા જથ્થામાં ઇંગ્લીશ દારૂ ભરીને અંકલેશ્વર જવા નીકળેલ ટેમ્પો નવસારી હાઈવે રોડ પરથી પસાર થનાર છે. જેના આધારે પોલીસ સ્ટાફે બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી આઇસર ટેમ્પા માંથી ઇંગ્લીશ દારૂની બોટલ ૩૯૧૨ કિંમત રૂપિયા ૬,૯૬,૦૦૦/-નો જથ્થો કબ્જે કરી ટેમ્પાનો ચાલક શ્રવણ ઉગમાં પ્રજાપત (ઉ.વ.૪૪., રહે.ગીરધરપુર ગામ, તા.બડનોર, જિ.બ્યાવર)ને ઝડપી પાડી ઇંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી રૂપિયા ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે ઇંગ્લીશ દારૂ ગોવાથી ભરી આપનાર અલ્પેશ તિવારી તેમજ અંકલેશ્વર હાઇવે રોડ ઉપર ઇંગ્લીશ દારૂ લેવા આવનાર અજાણ્યા ઇસમ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરર્યા હતાં. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500