વલસાડ એલસીબી પોલીસે ઓલગામ ગામેથી પસાર થઈ રહેલા ટેમ્પોમાંથી દારૂ-બિયરનો રૂ.૬.૪૪ લાખથી વધુનો જથ્થો ઝડપી પાડી ચાલકની અટક કરી હતી. જ્યારે બીજા બનાવમાં ડુંગરી પોલીસે બોગસ નંબર પ્લેટ ધરાવતી ઈનોવા કારના ચાલકને રૂ.૧.૩૪ લાખથી વધુના જથ્થા સાથે ઝડપી પાડયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમે ઓલગામ હાઈવે પાસે પેટ્રોલિંગની કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન એલ.સી.બી.ને ટેમ્પો નંબર જીજે/૦૮/એયુ/૮૬૯૫નો ચાલક ટેમ્પોના દારૂના જથ્થાની હેરફેર કરવા માટે બનાવેલા ચોરખાનામાં દારૂ-બિયરનો વિપુલ જથ્થો ભરી સુરત તરફ જવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે ટેમ્પોને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી દારૂ-બિયરની ૩૮૮૮ બોટલો (કિંમત રૂ. ૬,૪૪,૮૦૦) મળી આવી હતી. એલસીબી પોલીસે દારૂ-બિયરનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૧,૩૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક રામજીવન દાના રામ બિશ્નોઈ (રહે.ગામચાડી (છડી) બિશ્નોઈયોં કા પાડા, તા.રમસરજી, જિ. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસે જયેશ શર્મા નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. બીજા બનાવમાં ડુંગરી પોલીસે ડુંગરી હાઇવે પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ડુંગરી પોલીસને ઈનોવા કાર (નંબર જીજે ૩૧ ડી ૦૯૪૭)નો ચાલક દારૂ-બિયરનો જથ્થો ભરી સુરત તરફ જવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારમાંથી દારૂ-બિયરની ૮૧૬ બોટલો (કિંમત રૂ. ૧,૩૪,૪૦૦) મળી આવી હતી. પોલીસે દારૂ-બિયરનો જથ્થો, બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ. ૬,૪૪,૪૦૦ના મુદ્દામાલ સાથે સવા રામ ઉર્ફે સુભાષ હંજારામ માજીરાણા (રહે. પાદરું-બાલોતરા રોડ, જિ. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસે કારની ઝીણવટભરી તપાસ કરતા કારમાંથી ઝડપાયેલા કારની સાચી નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે દારૂ-બિયરનો જથ્થો મંગાવનાર અરબાઝ ખાન મંગુ ખાન (હાલ રહે. સુરત-મૂળ રહે. રાજસ્થાન) સહિત એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે બબાતની ફરિયાદ ડુંગરી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500