મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે પરમીટ રૃમ લીકર સર્વિસ પર વેટમાં પાંચ ટકાનો વધારો કરતાં પહેલી નવેમ્બરથી બાર, લાઉન્જ, કલબ, કાફે અને ડિસ્કોથેકમાં દારૂ પીવાનું મોંઘું પડશે. જો કે, ફાઇવ સ્ટાર હોટલોમાં વેટ પહેલેથી જ ૨૦ ટકા હોઇ તેના દરમાં કોઇ ફરક નહીં પડે.
રાજ્ય સરકારે શુક્રવારે જાહેરનામું બહાર પાડી પહેલી નવેમ્બરથી આ વધારાને અમલી બનાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયની જો કે દારૃની દુકાનોમાં વેચાતા દારૃ પર કોઇ અસર નહીં પડે. સરકારના આ નિર્ણયને કારણે પ્રવાસન ઉદ્યોગ અને રેસ્ટોરાં અને બાર સંચાલકોને મોટો ફટકો પડે તેવી સંભાવના છે.
સરકારે બાર અને રેસ્ટોરાંમાં પીરસાતા દારૃ પર વેટ વધારે દેતાં હવે ગ્રાહકો પરવડે તેવી જગ્યાએ દારૃ પીવાનું પસંદ કરશે જેને કારણે સમસ્યાઓ વધશે. હાલ મુંબઇ શહેરમાં ઘણી દારૃની દુકાનોની બહાર લોકો પ્લાસ્ટિકના ગ્લાસ લઇને મહેફિલ જમાવી દે છે. હવે આ પ્રકારના મદ્યપાનરસિયાઓની સંખ્યા વધશે. જાણકારોના મતે હવે લોકો ધાબાં પર, બગીચાઓમાં, દરિયાકાંઠે અને પાર્ક કરેલાં વાહનોમાં દારૃ પીવાનું વધારે પસંદ કરશે. લોકોના વર્તનમાં આ પરિવર્તન આવશે તો તેને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ સર્જાશે.
રાજ્ય સરકાર નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરવા માટે પણ વિચારણા કરી રહી છે. આ નવી આબકારી નીતિમાં પીણાંમાં રહેલાં આલ્કોહોલના પ્રમાણ અનુસાર ભાવ નક્કી કરવામાં આવશે તથા બાર અને પરમીટ રૃમ્સમાં દારૃની બોટલ્સ વેચવાની પણ પરવાનગી આપવામાં આવશે. જો કે, હાલ આ સૂચિત પોલીસી બાબતે વિચારણા ચાલી રહી છે અને તેનો અમલ કયારથી કરવામાં આવશે તે નક્કી નથી.
મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ૧૫,૦૦૦ કરતાં વધારે પ્રિમિયમ હોટલ્સ, બાર અને રેસ્ટોરાં આવેલાં છે તેના બિઝનેસ પર સરકારના આ નિર્ણયની માઠી અસર થશે. સરકારના આ નિર્ણયને કારણે બિઝનેસ ઘટશે તો તેના કારણે આ બાર-રેસ્ટોરાંમાં કામ કરતાં વેઇટર્સના રોજીરોટી પર પણ અસર થશે. સરકારે રિટેઇલમાં વેચાતાં દારૃ પર વેટ વધાર્યો નથી પણ બાર-રેસ્ટોરાંમાં પીરસાતા દારૃ પર વેટ વધારી નાંખ્યો છે જે અન્યાયકારી છે.
કેમ કે રિટેઇલની સરખામણીમાં રેસ્ટોરાં ઉદ્યોગમાં છથી આઠ ગણાં વધારે લોકો રોજગાર રળે છે. હોટલ્સ એન્ડ રેસ્ટોરાં ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે વેટમાં વધારો આશ્ચર્યજનક છે. કેમ કે વાર્ષિક એક્સાઇઝ ફીમાં પણ તાજેતરમાં વધારો થયો હોવાથી રેસ્ટોરાંઓ પાસે હવે દર વધારવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. ગોવા, ચંદીગઢ અને હરિયાણામાં પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન આપવા રાજ્ય સરકારો એક્સાઇઝ ડયુટિ ઘટાડી રહી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારનું આ પગલું આત્મઘાતી બની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500