Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં પ્રસુતાના મોત બાદ ડૉક્ટર હીના પટેલ સામે મેડિકલ પ્રેક્ટીસનર એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

  • March 16, 2024 

રાજકોટ શહેરના આશાપુરાનગર મેઇન રોડ પર આવેલા નર્સિંગહોમમાં પ્રસૂતાએ પુત્રીને જન્મ આપ્યા બાદ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રસૂતિ બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી અને તેનું મૃત્યુ થતાં પરિવારજનોએ મહિલા તબીબ સહિતનાઓ સામે લાપરવાહીનો આક્ષેપ કર્યો હતો. સુરેન્દ્રનગરના ખાટડી ગામની 20 વર્ષીય પાયલ અંકિતભાઇ સાગઠિયાને પ્રસૂતિની પીડા ઉપડતાં શુક્રવારે સવારે રાજકોટના કોઠારિયા રોડ પરના આશાપુરાનગર મેઇન રોડ પર આવેલી ફોરમ નર્સિંગહોમમાં લઇ આવવામાં આવી હતી. ગર્ભસ્થ શિશુના ધબકારા વધી ગયાનું કહી મહિલા તબીબ હીના પટેલે સિઝેરિયનથી પ્રસૂતિ કરવાનું કહ્યું હતું. જેના બાદ સાગઠિયા પરિવારે સિઝેરિયન માટે મંજૂરી આપી હતી. સિઝેરિયનથી બાળકીનો જન્મ થયો હતો, પુત્રીના જન્મની સાગઠિયા પરિવારમાં ખુશી છવાઇ હતી.


જોકે આ ખુશી લાંબો સમય ટકી નહોતી, પ્રસૂતિ બાદ પાયલ સાગઠિયાની તબિયત લથડી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પાયલના મૃત્યુથી સાગઠિયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તો બીજી તરફ, ડો.હીના પટેલ સહિતના તબીબોએ લાપરવાહી દાખવતા પાયલનું મૃત્યુ થયાનો સાગઠિયા પરિવારે આક્ષેપ કરતાં ભક્તિનગર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સરવૈયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, ડો. હીના પટેલ સામે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાયનોકોલોજિસ્ટ ન હોવા છતાં પ્રસૂતિ કરી હોવાથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ડો. હિના પટેલ આ પહેલા પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં પકડાઈ ચૂકી છે. પોલીસ દ્વારા હીના પટેલના લાયસન્સ રદ્દ કરવા અંગે પણ આરોગ્ય વિભાગને રિપોર્ટ કરાશે. મૃતકના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સવારે ખાટડીથી પાયલને લઇને આવ્યા હતા ત્યારે તેને કોઇ તકલીફ નહોતી, ડો.પાયલ પટેલે ગર્ભસ્થ શિશુની તબિયત સારી ન હોવાથી નોર્મલ ડિલીવરીની રાહ જોઇ શકાશે નહી તેમ કહી સિઝેરિયનનું કહ્યું હતું. ડોક્ટરની સલાહને અનુસરીને સિઝેરિયન માટે પણ મંજૂરી આપી હતી. જોકે બાદમાં પાયલનું મૃત્યુ થયું હતું. સાગઠિયા પરિવારના આક્ષેપને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ડો.હીના પટેલની ક્લિનિકમાં ગોરખધંધા ચાલતા હોવાનો પણ ભાંડોફોડ થયો છે, ડો.હીના પટેલ અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે. સમગ્ર ઘટનાને લઈ તપાસ કરતા સામે આવ્યું છે કે, ગાયનોકોલોજિસ્ટ ન હોવા છતાં પ્રસુતિ કરતી હોવાનું સામે આવ્યું છે.આ પહેલા પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં પકડાઈ ચૂકી છે હીના પટેલ તો પોલીસ દ્રારા હીના પટેલના લાયસન્સ રદ્દ કરવા અંગે પણ આરોગ્ય વિભાગને રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.હીના પટેલ કોઈ ડોકટર નથી તેમ છતાં ઘણી મહીલાઓની પ્રસુતિ કરાઈ ચૂકી છે,કોના આશીર્વાદથી હોસ્પિટલ ચાલે છે તે પણ એક સવાલ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. નવજાત બાળકીએ જનેતા ગુમાવતા સાગઠિયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application