તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામી ચુક્યો છે જિલ્લામાં સતત ઝરમર સાથે હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે. વરસાદના કારણે સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ જેની કુલ સપાટી 123.44 મીટર (405 ફૂટ) છે અને કુલ સંગ્રહશક્તિના 80 ટકા પાણીના જથ્થાથી છલોછલ પાણી ભરાયેલ છે. આજરોજ ડેમની સપાટી 122.68 (402.50 ફૂટ) સુધી પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી એલર્ટ સ્ટેજના સ્તર સુધી પહોચતા ગમે ત્યારે ડેમના ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે.
ભારે વરસાદના કારણે ડેમની સપાટી ઓવરફ્લો થવાની શક્યતા
આ સાથે ડોસવાડા ડેમના આસપાસના ગામો જેમાં સોનગઢ તાલુકાના કૂમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ, ખડકાચીખલી અને વ્યારાના વાઘઝરી, ચીખલી, મુસા, કાનપુરા અને પાનવાડી વિસ્તારો અસરગ્રસ્ત થવાની સંભાવના પગલે વહિવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. ડેમના ઓવરફ્લો થવાથી ગ્રામ્ય વિસ્તારના જનતાને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર સાબુદ બની ગયું છે.
જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા
ચોમાસા સંદર્ભે જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે. જિલ્લામાં કોઇ પણ સ્થળે મુશ્કેલીમાં મુકાયેલા લોકો આ કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી શકે છે. તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો ટોલ ફ્રી નં-૧૦૭૭ અને ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ છે. મામલતદાર કચેરી વ્યારા ૦૨૬૨૬-૨૨૪૦૧૨, મામલતદાર કચેરી ડોલવણ- ૦૨૬૨૬-૨૫૧૦૧૨/ મો.નં-૮૩૪૭૬-૨૧૧૦૫/૭૬૨૩૮-૩૧૦૧૨, મામલતદાર કચેરી વાલોડ- ૦૨૬૨૫-૨૨૦૦૨૧, મામલતદાર કચેરી સોનગઢ- ૦૨૬૨૪-૨૨૨૦૨૩, મામલતદાર કચેરી ઉચ્છલ- ૦૨૬૨૮-૨૩૧૧૦૫, મામલતદાર કચેરી નિઝર- ૦૨૬૨૮-૨૪૪૨૨૩, મામલતદાર કચેરી કુકરમુંડા- ૦૨૬૨૮-૨૨૩૩૨૪ ઉપર સંપર્ક કરવો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500