ગ્રાહકની હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ સેવામાં ખામી બદલ તબીબને જવાબદાર ઠેરવી ફરીયાદીને વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે રૂ.1.50 લાખની ફી તથા અરજીખર્ચ અને હાલાકી બદલ રૂ.2 હજાર ચુકવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.
સુરતના અઠવાલાઈન્સ ખાતે રહેતા ફરિયાદી જગદીશ રામાણીને પોતાના માથાના વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાના હોઈ ઘોડદોડ રોડ સ્થિત એસ્યુને ક્લીનીકના સંચાલક ડૉ.અભિષેક પિલાનીનો સંપર્ક સાધી જાણકારી મેળવી હતી.જેથી ફરિયાદીના માથાના વાળની પરિસ્થિતિને ચકાસીને સંપૂર્ણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા તથા તેની 25 વર્ષની ગેરેન્ટીનો દાવો પણ તબીબે કર્યો હતો.જેથી ફરિયાદીએ દશ સીટીંગમાં હેરટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કરીને 1.50 લાખ ફી એડવાન્સમાં ચુકવી આપી હતી.
જોકે દશ સીટીંગ બાદ પણ ફરિયાદીના માથા પર સંપુર્ણપણે હેર ટ્રાન્સપ્લાન્ટ થવાને બદલે માત્ર 10 થી 20 ટકા જ થઈ શકયું હતુ.ફરિયાદીને ત્યારબાદ મુંબઈ ક્લીનીક પર પણ મોકલવા છતાં પરિણામમાં કોઈ ફેરફાર થયો ન હોઈ હેરટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ નિષ્ફળ ગઈ હતી.જેથી ફરિયાદીએ પોતે ચુકવેલી ફીનું રીફંડ પરત માંગતા તબીબે નનૈયો ભણ્યો હતો.આથી ફરયાદી જગદીશ રામાણીએ ઈશાન શ્રેયશ દેસાઈ તથા પ્રાચી દેસાઈ મારફતે તબીબની ગ્રાહક સેવામાં ખામી બદલ ચુકવેલી ફી વ્યાજ સહિત વસુલ અપાવવા ગ્રાહક કોર્ટમાં ઘા નાખી હતી.જેની સુનાવણી બાદ ગ્રાહક કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજૂઆતોને માન્ય રાખી તબીબની ગ્રાહક સેવામાં ખામીનો નિર્દેશ આપી વ્યાજ સહિત વળતર ચુકવવા હુકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500