નિઝર તાલુકાના રાયગઢ ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર સતત ગેરહાજર રહેતા હોવાથી આ વિસ્તારના લોકોને સારવાર કરાવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ગામના જાગૃત યુવાને ગામ લોકો વતી વહીવટી તંત્રને કરી હતી. તાપી જિલ્લા આરોગ્ય વિભાગના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેક્ટરને કરાયેલી લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, નિઝર તાલુકાના રાયગઢ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે.
આ આરોગ્ય કેન્દ્રમાં ૧૨ ગામનો સમાવેશ થાય છે. જોકે આ ૧૨ ગામના લોકો એક માત્ર રાયગઢ પીએચસી સેન્ટરના ભરોસે છે. તેમ છતાં છેલ્લા ત્રણ મહિનાથી આ દવાખાને ડોક્ટર હાજર રહેતા નથી. ક્યારેક ડોક્ટર આવે છે તો પણ વહેલા જતા રહે છે. ગામમાં ડોક્ટર અને સ્ટાફ માટે નિવાસસ્થાનની વ્યવસ્થા હોવા છતાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ૨૪ કલાક સેવામાં ઉપલબ્ધ રહેતો નથી. આ સરકારી દવાખાનામાં ક્યારેક ડોક્ટર, ક્યારેક ફાર્માસિસ્ટ તો ક્યારેક દવા ઉપલબ્ધ હોતી નથી. જયારે હાલ ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ગંદકી એ માઝા મૂકી છે. તેના કારણે મેલેરિયા, ટાઇફોડઈ, ઝાડા, ઉલટી જેવી બીમારીઓ ફેલાઈ રહી હોય ગામ લોકોએ ખાનગી દવાખાનાનો સહારો લેવો પડી રહ્યો છે. પરંતુ ગરીબ લોકો પૈસાના અભાવે સારવાર લઈ શકતા નથી. તેથી ગામમાં આવેલ સરકારી દવાખાનું અર્થહીન છે.જો દિન-૭ માં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ફરિયાદમાં આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500