તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરતા કલેકટરએ જણાવ્યું હતું કે, તા.૨૧ જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આઝાદીના અમૃત્ત મહોત્સવના અવસરે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, કબીરવડ અને નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે પર વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, તેમજ નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,જિલ્લા પોલિસ હેડકવાર્ટર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અંદાજીત એક લાખથી વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા વધે એ ઉદ્દેશ્યથી માનનીય પ્રધાનમંત્રીશ્રી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે. જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઊજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય, યોગના દૈનિક જીવનનો ભાગ બનાવવા જાગૃત બને તેવો અનુરોધ કલેક્ટરએ કર્યો હતો. જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની સહભાગિતા તેમજ આબાલવૃદ્ધ નાગરિકો, સંસ્થાઓ, જાહેર કર્મચારીઓ પણ જોડાય એ પ્રકારનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500